વીરેન્દ્ર સહેવાગ હવે રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' હોસ્ટ કરશે
-
પરિસ્થિતિ મુજબ બેટિંગ કરવાની જેમ લોકો સાથે વર્તવું જરૂરી છે
-
અલગ-અલગ સ્વભાવના સ્પર્ધકો વચ્ચે રમાશે મનની રમત
-
દર્શકોને સહેવાગના અંદાજમાં કંઈક નવું જોવા મળશે
સિટી ન્યુઝ @ મુંબઈ
ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગ અને બેબાક અંદાજ માટે જાણીતા પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ હવે મનોરંજનની દુનિયામાં એક તદ્દન નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. સહેવાગ આગામી સમયમાં નવા રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ'ને હોસ્ટ કરતા નજરે પડશે, જેને લઈને તેમના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ શો ટેલિવિઝન જગતમાં એક મોટું આકર્ષણ બનશે.
આ શોમાં ક્રિકેટની જેમ બેટ અને બોલની રમત નહીં હોય, પરંતુ અલગ-અલગ વિચારસરણી અને ભિન્ન સ્વભાવ ધરાવતા સ્પર્ધકો (ક્નટેસ્ટન્ટ્સ) વચ્ચે તેમની વ્યૂહરચના અને મનોવિજ્ઞાનની સાચી પરીક્ષા લેવામાં આવશે. વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું છે કે ક્રિકેટ જગતમાં લગભગ 20 વર્ષ સુધી વિવિધ પ્રકારના ખેલાડીઓ અને લોકો સાથે કામ કરવાનો તેમનો લાંબો અનુભવ આ શોના હોસ્ટિંગમાં તેમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
પોતાની ક્રિકેટ કારકિર્દીનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે મેદાન પર દરેક પરિસ્થિતિમાં એક જ સરખી રીતે રમવું ક્યારેય શક્ય નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી વખત ટીમને બચાવવા માટે સાવચેતીપૂર્વક ડિફેન્સ કરવું પડતું હતું, જ્યારે વનડે મેચોમાં પણ પરિસ્થિતિની માંગ મુજબ ઇનિંગ્સની ઝડપ બદલવી પડતી હતી, અને માણસો સાથેના વ્યવહારમાં પણ કંઈક આવું જ હોય છે.
દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, જ્યાં કોઈ ગુસ્સાવાળું હોય છે, તો કોઈ શાંત રહે છે, કોઈ પ્રેમથી વાત કરે છે તો કોઈ આક્રમક રીતે પેશ આવે છે, અને આવી સ્થિતિમાં સામેવાળી વ્યક્તિને બરાબર સમજીને તેના હિસાબે વ્યવહાર કરવો ખૂબ જરૂરી બને છે. સહેવાગે આ શોને એક પ્રકારનું માનસિક મનોવિજ્ઞાન ગણાવ્યું છે અને સ્પર્ધકોના વર્તનને જોઈને કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી તે તેઓ પોતાના અનુભવથી શીખવશે.
તેમણે ઉમેર્યું કે તેમને આ શોનો 'અમીર અને ગરીબ' વાળો ક્નસેપ્ટ સૌથી વધુ રસપ્રદ લાગ્યો છે, કારણ કે તેઓ ક્રિકેટ કોમેન્ટ્રી દરમિયાન પણ અવારનવાર અલગ-અલગ ટીમો વચ્ચેના તફાવત વિશે વાત કરતા રહ્યા છે. ભલે રમતગમત અને મનોરંજન બે અલગ ક્ષેત્રો હોય, પરંતુ લોકોને સમજવાનો અનુભવ બંને જગ્યાએ સમાન રીતે કામ આવે છે અને સહેવાગના આ અંદાજથી દર્શકોને કંઈક અનોખું મનોરંજન મળશે.
મનોરંજન જગતમાં નવો પ્રયોગ
વીરેન્દ્ર સહેવાગની આ નવી સફર માત્ર ટેલિવિઝન જગતમાં જ નહીં, પરંતુ દર્શકો માટે પણ એક રોમાંચક અનુભવ સાબિત થશે, જ્યાં રમતગમતના અનુભવનો સચોટ ઉપયોગ જોવા મળશે.