યુવાનો અને Gen-Z વચ્ચે ફિલ્મ ‘હનુમાન અંશ’ના માધ્યમથી શરૂ થયો આધ્યાત્મિકતાનો નવો અધ્યાય
-
જયપુર અને જોધપુરથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સિનેમાઘરોમાં જોવા મળી રહ્યો છે અનોખો ભક્તિમય માહોલ
-
દર્શકો દ્વારા થિયેટરમાં સીટ નંબર 9 ખાલી રાખીને પ્રસાદ, ફૂલો અને પત્રો મૂકવાની ચાલી રહી છે પરંપરા
-
છ મહિનામાં ૨૪.૩૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કૈંચી ધામની મુલાકાત લઈને નોંધાવી છે ઉપસ્થિતિ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વર્ષ ૧૯૭૫માં પ્રદર્શિત થયેલી પ્રખ્યાત ફિલ્મ ‘જય સંતોષી મા’એ ભારતીય સિનેમા અને સમાજમાં આધ્યાત્મિકતાનો એક નવો જ અધ્યાય શરૂ કર્યો હતો. સમય બદલાયો છે અને નવી પેઢી પણ આવી ગઈ છે, પરંતુ આજના આધુનિક યુગમાં પૂરા ૫૦ વર્ષ પછી વધુ એક ફિલ્મ ‘હનુમાન અંશ’એ દેશભરમાં તેવી જ અપૂર્વ અને અદભુત આધ્યાત્મિક લહેર જગાડી દીધી છે. નીબ કરોરી બાબા (નીમ કરોલી બાબા)ની પ્રેરણાદાયી જીવનયાત્રા પર આધારિત આ ફિલ્મ જોવા માટે ભક્તિભાવમાં લીન થયેલા દર્શકો અને વિશેષ કરીને Gen-Z યુવાનો ઉઘાડા પગે સિનેમા હોલ સુધી પહોંચી રહ્યા છે.
આ ફિલ્મ દરમિયાન સિનેમા સ્ક્રીન પર ફૂલ, અગરબત્તી અને પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યા છે. પડદા પર આધ્યાત્મિકતાથી ભરેલા સંવાદો અને દ્રશ્યો જોઈને શ્રોતાઓ અને યુવાનોની આંખોમાં શ્રદ્ધાના આંસુ છલકાઈ રહ્યા છે. આ દૈવી લહેર માત્ર ભારતમાં જ સીમિત નથી રહી, પરંતુ યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા પાશ્ચાત્ય દેશોમાં પણ પ્રસરતી જોવા મળી રહી છે. જયપુરના પ્રખ્યાત રાજમંદિર સિનેમાઘરમાં દર્શકો પોતાના જૂતા-ચપ્પલ બહાર ઉતારીને ફિલ્મ જોવા પ્રવેશી રહ્યા છે, તો જોધપુરમાં ફિલ્મ પૂર્ણ થયા બાદ થિયેટરમાં જ હનુમાનજીની આરતી અને પૂજા કરવામાં આવી રહી છે. આગ્રામાં પવનપુત્ર હનુમાનના જયકારા સાથે હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે, જ્યારે ગોરખપુરમાં ઉત્સાહભેર લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનેક સ્થળોએ થિયેટરોમાં એક સીટ નંબર 9 ખાસ ખાલી રાખવામાં આવે છે અને ત્યાં પ્રસાદ, પુષ્પો તેમજ 'સીતારામ' લખેલા પત્રો રાખવાની શ્રદ્ધાળુઓની પરંપરા જોવા મળી છે.
આ ફિલ્મ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળ કૈંચી ધામના ઇતિહાસની વાત કરીએ તો, નૈનીતાલના રહેવાસી તેજ સિંહ જણાવે છે કે તેઓ ૧૫-૧૬ વર્ષની વયથી ઉત્તરાખંડમાં નીબ કરોરી બાબાના સ્થાનક કૈંચી ધામ જઈ રહ્યા છે. ચાર દાયકા પહેલા આખા દિવસમાં માંડ ૫૦ થી ઓછા લોકો દર્શનાર્થે આવતા હતા, જ્યારે આજે એક જ દિવસમાં ૫૦ હજાર સુધીના ભક્તો પહોંચી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના સત્તાવાર આંકડા મુજબ માત્ર છ મહિનામાં જ ૨૪.૩૪ લાખ શ્રદ્ધાળુઓએ કૈંચી ધામની મુલાકાત લીધી છે, જેમાં એકલા જૂન મહિનામાં જ ૮.૬૬ લાખ ભક્તો પહોંચ્યા હતા.
બાબા નીમ કરોલીનું જીવનચરિત્ર જોઈએ તો, તેમનો જન્મ ૧૯૦૦ના વર્ષમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં લક્ષ્મણ નારાયણ શર્મા તરીકે થયો હતો. નાનપણમાં જ તેમના લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી પ્રાપ્ત થયા હતા. યુવાવસ્થામાં તેઓ ઘરનો ત્યાગ કરીને સાધુ બની ગયા હતા, પરંતુ પિતાના વિશેષ આગ્રહને માન આપીને તેઓ ફરીથી ગૃહસ્થ જીવનમાં પાછા ફર્યા હતા. પાછળથી તેઓ ભગવાન હનુમાનના અનન્ય અને પરમ ભક્ત બન્યા તથા ‘મહારાજજી’ તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે ફર્રુખાબાદના નીબ કરોરી ગામમાં કઠોર તપસ્યા કરી હતી, જેના પરથી તેમને ‘નીમ કરોલી’ નામ પ્રાપ્ત થયું. તેમણે ૧૫ જૂન, ૧૯૬૪ના રોજ ઉત્તરાખંડના કૈંચી ધામમાં હનુમાન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, જે પાછળથી બાબાનો મુખ્ય અને ભવ્ય આશ્રમ બન્યો. અંતે, ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ તેમણે વૃંદાવનમાં દેહત્યાગ કર્યો હતો અને હાલ તેમનું પવિત્ર સમાધિ સ્થળ વૃંદાવનમાં જ આવેલું છે.
આધ્યાત્મિક વારસો અને સિનેમા
જ્યારે દૈવી આસ્થા અને ફિલ્મી માધ્યમ એકસૂત્રમાં જોડાય છે, ત્યારે તે સમાજમાં નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે આદરભાવ વધુ દ્રઢ બનાવે છે.
વિશ્વભરના દ્રશ્યો
* કેટલાય સિનેમાઘરોમાં સીટ નંબર 9 ની ટિકિટ ખરીદીને તેને ખાલી રાખવામાં આવી રહી છે. તેના પર ’સીતારામ’ લખેલા પત્રો, પ્રસાદ, ફૂલ વગેરે ચડાવવામાં આવી રહ્યા છે.
* ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ફિલ્મ જોવા માટે ઘણા પ્રેક્ષકો પરંપરાગત ધાર્મિક વેશભૂષામાં પહોંચ્યા હતા.
* ફ્રાન્સના અગ્રણી શહેરોમાં આ ફિલ્મના રોજિંદા ત્રણથી પાંચ શો બતાવવામાં આવી રહ્યા છે.
* આ ફિલ્મ રૂ. 2 કરોડના બજેટમાં બની છે અને રૂ. 350 કરોડ કમાવાની નજીક પહોંચી ગઈ છે.
‘હું ’કાંતારા’ જેવી વાર્તાઓ પર ફિલ્મો બનાવવા માંગુ છું’: ’હનુમાન અંશ’ શોભિનવ સત્ય
◘ જા પર કૃપા રામ કી હોઈમ તા પર કૃપા કરે સબ કોઈ
મુંબઈ : આ ચોપાઈ આજકાલ ’હનુમાન અંશ’ના લીડ એક્ટર શોભિનવ સત્ય પર સાચી પડતી જોવા મળી રહી છે. એક રાત પહેલા સુધી જે સેટ (હનુમાન અંશ) પર તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા હતા, તે જ સેટ પર આગામી સવારે તેઓ લીડ એક્ટર બની ગયા હતા. તાજેતરમાં થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું, ’જે દિવસે એ નક્કી થયું કે મારે બાબા નીમ કરોલીના પાત્ર માટે ઓડિશન આપવાનું છે.
તે રાત્રે હું ઘેરી ઊંઘમાં ઊંઘી ગયો હતો. મારા એક્ટિંગ ગુરુ જ ફિલ્મમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. તેમના લીધે જ મને ફિલ્મ મળી. તે સમયે તેઓ જ મારા રૂમ પાર્ટનર હતા. તેમણે કહ્યું હતું કે તણાવ ન લો, બધું થઈ જશે. સવારે પાંચ વાગ્યે ડાયરેક્ટરે (વિશાળ ચતુર્વેદી) બોલાવ્યો. પછી અમે તુલસી ઘાટ ગયા. સવારે મને ખૂબ સંકોચ થઈ રહ્યો હતો કારણ કે એક દિવસ પહેલા સુધી હું તે સેટ પર એડી (અઉ) હતો.’ શોભિનવના જણાવ્યા મુજબ, ’મારા રોલની સાથે હું સેટ પર બાકી કામ પણ સંભાળતો હતો. જ્યારે મારો સીન ન હોય ત્યારે હું ધોતી ઊંચકીને જતો અને ક્લેપ મારી દેતો હતો.’
’સેવાભાવ માટે સિનેમા લાવીશ’
શોભિનવ કહે છે કે તેઓ આખી જિંદગી પોતાની કરિયરમાં મર્યાદામાં રહીને જવાબદારી સાથે કામ કરશે. શોભિનવના અનુસાર, ’ઘણા લોકોને લાગે છે કે જ્યાં સુધી તમે રોમેન્ટિક અને એક્શન ફિલ્મો નહીં કરો, ત્યાં સુધી સુપરસ્ટાર નહીં બનો. હું કહું છું કે મારી પાસે એવા ઘણા વિષયો છે, જેમાં હું મર્યાદામાં રહીને કામ કરીને સુપરસ્ટાર બનીને બતાવીશ. શું ભગત સિંહની વાર્તા કોઈ મોટી સ્ટોરીથી ઓછી છે?
નાના-નાના ગામડાઓની વાર્તા જેમ કે કાંતારામાં દૈવ વિશે બતાવવામાં આવ્યું છે, તેવી જ રીતે અમારે ત્યાં સકટ બાબાની પૂજા થાય છે. ફિલ્મ અને એક્ટિંગ મારો પ્રેમ રહ્યો છે, તો હું હંમેશાં સેવાભાવથી લોકો માટે સારો સિનેમા લાવીશ.’
’મિત્રે ચૂપચાપ FTII બોલાવી લીધો હતો’
સીતાપુરના રહેવાસી શોભિનવે પોતાના શરૂઆતી દિવસોને પણ યાદ કર્યા. તેઓ કહે છે, ’હું મૂળ સીતાપુરના ખૈરાબાદનો છું. ત્યાં મેં સાતમા ધોરણ સુધી સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કર્યો. સાતમા ધોરણમાં હું સારેગામાપા લિટલ ચેમ્પ્સનું ઓડિશન આપવા ગયો હતો. 2014માં મેં એક એક્ટિંગ વર્કશોપ કરી હતી. મારી આ જ એક્ટિંગ સ્કૂલના એક મિત્રની પસંદગી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) માં થઈ ગઈ હતી. ત્યાં પોતાના એક મિત્રની હોસ્ટેલમાં ચૂપચાપ રહેવાની, મેસમાં જમવાની અને ક્લાસ એટેન્ડ કરવાની સગવડ હતી.’