Loading Please Wait !!!
28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્ક હડતાળને પગલે કામગીરી ખોરવાવાની શક્યતા

 

  • સતત ત્રણ દિવસ સુધી બેન્કોની શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત સેવાઓ પ્રભાવિત થશે

  • ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી કરવા બેન્કો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ

  • રોકડ જરૂરિયાતનું અગાઉથી આયોજન કરી ATM અથવા CRM મશીનનો ઉપયોગ કરવો

સિટી ન્યુઝ @ અમદાવાદ 

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026 ના રોજ સંભવિત રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. સતત ત્રણ દિવસ સુધી બેન્કોની શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત સેવાઓ પ્રભાવિત થવાની પૂર્ણ સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ (SLBC – ગુજરાત) અને તેના સંયોજક 'બેન્ક ઓફ બરોડા' દ્વારા તમામ બેન્ક ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

હડતાળના કારણે ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી થાય તે હેતુથી તમામ બેન્કો દ્વારા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, છતાં નાગરિકોની નાણાકીય લેવડ-દેવડ અા સમયગાળા દરમિયાન સરળતાથી થઈ શકે તે માટે કેટલીક ખાસ માર્ગદર્શિકા અને સૂચનો જાહેર કરવામાં આવ્યા છે જેથી સમયસર આયોજન કરી શકાય.

ગ્રાહકો માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે તમામ મહત્વપૂર્ણ બેન્કિંગ તેમજ ચેક ક્લિયરિંગ સંબંધિત તમામ પ્રકારના કામકાજ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં અચૂક પૂર્ણ કરી લેવા, જેથી હડતાળના દિવસોમાં કોઈપણ પ્રકારની આર્થિક અડચણનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત આગામી દિવસોની રોકડ જરૂરિયાતનું અગાઉથી આયોજન કરીને જરૂરિયાત મુજબ એટીએમ (ATM) અથવા કેશ રિસાયકલર મશીન (CRM) નો ઉપયોગ કરવા તેમજ બેન્ક શાખાની પ્રત્યક્ષ મુલાકાત લીધા વિના વ્યવહારો પૂરા કરવા માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, યુપીઆઈ (UPI) અને એટીએમ જેવા ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

એસએલબીસી (SLBC) ગુજરાત અને બેન્ક ઓફ બરોડા દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરાઈ છે કે તેઓ આ ડિજિટલ સેવાઓનો લાભ લઈને પોતાની નાણાકીય જરૂરિયાતો સુચારુ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરે જેથી હડતાળ દરમિયાન કોઈપણ નાગરિકને મુશ્કેલી ન પડે.

નાણાકીય વ્યવહારો અને બેન્કિંગ સેવાઓ

બેન્ક હડતાળ જેવા સંજોગોમાં ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન બેન્કિંગ માધ્યમોનો ઉપયોગ નાગરિકોના નાણાકીય વ્યવહારો અવિરત ચાલુ રાખવા માટે અત્યંત સહાયરૂપ સાબિત થાય છે.