નાના બજેટની પ્રાદેશિક ફિલ્મોની બોક્સ ઓફિસ પર બોલબાલા
-
માત્ર 25 કરોડમાં બનેલી મલયાલમ ફિલ્મે 156 કરોડ કમાયા
-
ઓટીટી પ્લેટફોર્મ્સે પ્રાદેશિક ફિલ્મો માટે વિતરણ સરળ કર્યું
-
સ્માર્ટ સબટાઇટિલ્સ અને ડબિંગથી અન્ય ભાષાના દર્શકો વધ્યા
સિટી ન્યુઝ @ મુંબઈ
છેલ્લા બે વર્ષમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરનારી અનેક સ્થાનિક ભાષાની ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે ફિલ્મો બનાવવાની શૈલીમાં મોટો સકારાત્મક ફેરફાર આવ્યો છે. હવે માત્ર હિન્દી માર્કેટ કે મોટા સ્ટાર્સના જોરે 'પાન-ઇન્ડિયા' ફિલ્મો બનાવવાના નિષ્ફળ પ્રયાસોના બદલે પ્રાદેશિક ફિલ્મો પોતાના મૂળ દર્શકો અને મજબૂત કથા પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગી છે, જેના પરિણામે આ ફિલ્મો નાના બજેટમાં મોટો નફો મેળવી રહી છે.
ફિલ્મ પ્રદર્શકો અને વિતરકોના જણાવ્યા મુજબ, દર્શકોની વધેલી જાગૃતિ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પરના પ્રયોગોથી નવું મનોરંજન માણવાની જિજ્ઞાશા વધી છે. 'બેથલેહેમ કુટુંબ યુનિટ' (મલયાલમ), 'ઇરુમુડી' (તેલુગુ), 'દેઉલ બંદ 2' (મરાઠી), 'ટૂરિસ્ટ ફેમિલી' (તમિળ), 'સુ ફ્રોમ સો' (કન્નડ) અને 'લાલો' (ગુજરાતી) જેવી ફિલ્મોએ હિન્દી ડબિંગ વગર પણ જબરદસ્ત સફળતા મેળવી છે, જેમાં 25 કરોડથી ઓછા બજેટમાં બનેલી મલયાલમ ફિલ્મે ભારતમાં જ 156 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
સિનેપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપતના જણાવ્યા મુજબ સક્રિય ડિજિટલ નેટવર્કને કારણે કોઈપણ ભાષાનું સારું કન્ટેન્ટ દેશ-વિદેશમાં પહોંચે છે. કાર્મિક ફિલ્મના સુનીલ વાધવાના મતે હિન્દી માર્કેટમાં રિલીઝ કરવું એ માત્ર વિસ્તરણની તક છે, સફળતા માટેની અનિવાર્ય શરત નથી. ઉદાહરણ તરીકે, 35 થી 40 કરોડના બજેટમાં બનેલી તેલુગુ ફિલ્મ 'ઇરુમુડી'એ તેના કુલ 188 કરોડના કલેક્શનમાંથી 95 ટકાથી વધુ કમાણી માત્ર પોતાના સ્થાનિક માર્કેટમાંથી જ કરી છે.
છેલ્લા પાંચ વર્ષમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે પ્રાદેશિક ફિલ્મો માટે વિતરણની સમસ્યા ઉકેલી દીધી છે અને સચોટ ડબિંગ તથા સબટાઇટિલ્સને કારણે સ્થાનિક ભાષા સિવાયના દર્શકો પણ આ ફિલ્મો જોવા લાગ્યા છે. પ્રોડ્યુસર નવીનચંદ્રાનું માનવું છે કે આખું દાયકું પ્રાદેશિક સિનેમાનું રહેશે, કારણ કે આજે મલયાલમ ફિલ્મોના શો ગુજરાત અને કોલકાતા જેવા દૂરના થિયેટરોમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
ફિલ્મ પ્રોડ્યુસર રાજેશ આર. નાયર જણાવે છે કે દર્શકો માત્ર પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી સચોટ વાર્તાઓ જ જોવા માંગે છે અને માત્ર ગ્લેમર કે સ્ટાર પાવર તેમને આકર્ષી શકતું નથી. ડિજિટલ રાઇટ્સના મૂલ્યાંકનમાં આવેલા આ બદલાવથી હવે નિર્માતાઓ પહેલા પોતાના સ્થાનિક માર્કેટ પર ધ્યાન આપે છે અને ત્યારબાદ ઓર્ગેનિક રીતે અન્ય માર્કેટમાં વિસ્તરણ કરે છે.
પ્રાદેશિક સિનેમાનો બદલાતો સુવર્ણ કાળ
મોટા બજેટ અને સ્ટારડમ પરનો નિર્ભરતા ઘટાડીને માત્ર મજબૂત કન્ટેન્ટ અને લોકલ કનેક્ટ પર આધાર રાખતી પ્રાદેશિક ફિલ્મોએ ભારતીય મનોરંજન ઉદ્યોગને એક નવી દિશા અને સફળતા અપાવી છે.