Loading Please Wait !!!
દીકરો હોય કે દીકરી, સમાજ દ્વારા બંને માટે સમાન પ્રોત્સાહન

 

  • 13 સપ્ટેમ્બર, 2026 પછી જન્મનારા ત્રીજા સંતાનને મળશે લાભ

  • દક્ષિણ ગુજરાત ઝોનના આજીવન સભ્યોને આ યોજનાનો લાભ મળશે

  • શિક્ષણ અને આરોગ્ય સહાયની પણ વિશેષ જોગવાઈ કરાઈ છે

સિટી ન્યુઝ @  અમદાવાદ

ઘણા પરિવારોમાં સંતાનોની સંખ્યા અંગેની વિચારસરણી છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ રહી છે, અને 'અમે બે, અમારા બે' ની માનસિકતા વચ્ચે સમાજની ઘટતી જતી વસતિને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોને નવી પેઢીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક અનોખી પહેલ કરવાનો નિર્ણય લીધો છે, જેના હેઠળ પરિવારમાં ત્રીજા સંતાનના જન્મ પર દીકરો હોય કે દીકરી, સમાજ તરફથી રૂ. 50,000 ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્વરૂપે પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

સુરતના કડોદરા ખાતે બાબુભાઈ જાદવાણીના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જ્યાં આ બાળ પ્રોત્સાહન યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે, પરિવારોમાં સંતાન અંગેના વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવે અને નવી પેઢીને પ્રોત્સાહન મળે તે દિશામાં આ પહેલને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

યોજનાની વિગતો મુજબ, 13 સપ્ટેમ્બર, 2026 બાદ દક્ષિણ ગુજરાત સનાતન સમાજના આજીવન સભ્યને ત્યાં બીજા સંતાન પછી જન્મ લેનારા દરેક ત્રીજા સંતાનને આ યોજનાનો લાભ મળશે. આ સહાય દીકરો કે દીકરી બંને માટે સમાન રહેશે, જેથી ત્રીજા સંતાનના જન્મને માત્ર પરિવાર પૂરતી બાબત ન રાખતા સમાજ તરફથી પણ પ્રોત્સાહન મળે તેવો હેતુ છે.

આ યોજના માત્ર આર્થિક પ્રોત્સાહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઝોનના અગ્રણી રમેશભાઈ પારસિયાએ જણાવ્યું હતું કે યોજનામાં બાળકના ભવિષ્ય માટે શિક્ષણ અને આરોગ્ય સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન હેઠળ કુલ 26 ઘટક સમાજ કાર્યરત છે, જે સભ્યોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે અને હવે તેમાં આ બાળ પ્રોત્સાહન યોજનાનો પણ ઉમેરો થયો છે.

સમાજના ભવિષ્ય અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ યોજના આગામી સમયમાં કેવી રીતે અમલમાં આવે છે અને કેટલા પરિવારો તેનો લાભ લે છે તેના પર સૌની નજર રહેશે. હાલ તો ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે રૂ. 50 હજારની એફડી આપવાના આ નિર્ણયને લઈને દક્ષિણ ગુજરાત ઝોનની આ પહેલ ચારેય તરફ ચર્ચાનો વિષય બની છે.

સામાજિક ઉત્થાન અને જાગૃતિ

સમાજમાં ઘટતી વસતિના સંતુલનને જાળવી રાખવા માટે લેવાયેલા આવા સાહસિક અને પ્રોત્સાહક નિર્ણયો અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.