ટૂ-વ્હીલર પાછળ પાંજરા જેવી બાસ્કેટમાં પાંચ બાળકોને ભરી દીધાં
-
મેટલના એન્ક્લોઝરમાં મરઘાંની જેમ બાળકોને ઠાંસી-ઠાંસીને ભર્યા
-
પાછળ પાંજરા જેવા બોક્સમાં પાંચ અને આગળ એક બાળક બેસાડાયું
-
ચાલકે હેલ્મેટ પહેરી હતી પણ બાળકોના માથા પર સુરક્ષા નહોતી
સિટી ન્યુઝ @ મૈસૂર (કર્ણાટક)
ટ્રાફિકના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરતો અને માસૂમ બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો એક અત્યંત ચોંકાવનારો અને હચમચાવી દેનારો કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાના ટૂ-વ્હીલરની પાછળ મેટલના પાંજરા જેવી એક બાસ્કેટ ફિટ કરી દીધી હતી અને તેમાં મરઘાં પૂર્યા હોય તેમ પાંચ-પાંચ માસૂમ બાળકોને ઠાંસી-ઠાંસીને ભરી દીધા હતા, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વારલ થયો છે.
આટલું ઓછું હોય તેમ ડ્રાઇવરે આગળની સીટ પર પણ એક બાળકને બેસાડ્યું હતું અને ભારે ટ્રાફિક વચ્ચે કોઈ પણ ડર વગર બિન્દાસપણે વાહન દોડાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના કર્ણાટકના મૈસૂર-નંજણગુડ રોડ પર બની હતી, જ્યાં આ પ્રકારનો જીવલેણ જુગાડ કરીને વાહન ચલાવવામાં આવી રહ્યું હતું.
રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને નાગરિકોએ નોંધ્યું હતું કે વાહન ચલાવનારા મુખ્ય માણસે તો પોતાના બચાવ માટે હેલ્મેટ પહેરી હતી, પરંતુ પાંજરામાં પૂરેલા તેમજ આગળ બેસાડેલા એકપણ માસૂમ બાળકના માથા પર કોઈ જ પ્રકારની સુરક્ષા કે હેલ્મેટ નહોતી, જે તેમની ગંભીર દુર્ઘટનાનું જોખમ વધારે છે.
આ જીવલેણ જુગાડનો વિડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વારલ થતાં જ સામાન્ય જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકોએ આ બેજવાબદાર અને જોખમી રીતે વાહન ચલાવનાર માણસ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની જોરદાર માગણી કરી છે.
બાળકોની સુરક્ષાને તાવે મૂકીને કરવામાં આવતી આવી લાપરવાહી સમાજમાં વાહન વ્યવહારના નિયમો અને વાલીઓની જવાબદારી સામે ગંભીર સવાલો ખડા કરે છે, જેથી આવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા ત્વરિત દંડાત્મક પગલાં લેવા અનિવાર્ય છે.
માર્ગ સલામતી અને બાળ સુરક્ષા
વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.