Loading Please Wait !!!
માત્ર પાંચ વર્ષની વયે બાળકી બની યોગગુરુ, ગિનેસ બુકમાં નોંધાયું નામ

 

  • ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્‍સની ૨૦૨૭ની આવૃત્તિમાં નામ સામેલ કરાયું

  • માંડ 3 મહિનાની ઉંમરથી માતા સાથે યોગ ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું

  • અઘરાં લાગે એવાં શરીર રચનાશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને પરીક્ષા પાસ કરી

સિટી ન્યુઝ @ અમેરિકા 

મોટા ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમરે રમકડાંથી રમતાં હોય છે અથવા સ્કૂલમાં જતી વખતે રડતાં હોય છે, પરંતુ અમેરિકાની એક બાળકીએ આ કુમળી વયે એવી કમાલ કરી બતાવી છે કે સમગ્ર વિશ્વ તેની પ્રતિભા જોઈને દંગ રહી ગયું છે. અમેરિકાની ફીનિક્‍સ જિસેલ હિક્‍સ નામની બાળકી માત્ર 5 વર્ષ 337 દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની મહિલા યોગ-ટ્રેઇનર બની ગઈ છે અને તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્‍સની 2027 ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યું છે.

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્‍સે એના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર આ નાની યોગગુરુનો વિડિયો શેર કર્યો છે, જેમાં તે વડીલો અને બાળકોને નોન-સ્‍ટોપ યોગાસન શીખવતી જોવા મળે છે. ફીનિક્‍સની યોગ પ્રત્યેની રુચિ જન્મના થોડા જ મહિનાઓમાં શરૂ થઈ ગઈ હતી, કારણ કે તે માંડ 3 મહિનાની હતી ત્યારે તેણે તેની માતા સિડની હિક્‍સ સાથે ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું અને ધીમે-ધીમે યોગ તેના જીવનનો મુખ્ય ભાગ બની ગયા હતા.

યોગ-ટ્રેઇનર બનવા માટે ફીનિક્‍સે 200 કલાકનો પ્રોફેશનલ ટ્રેઇનિંગ કોર્સ પૂરો કર્યો છે. તેણે મોટા લોકોને પણ અઘરાં લાગે એવાં શરીર રચનાશાસ્ત્રનાં પુસ્તકો વાંચ્યા, પરીક્ષાઓ આપી અને ટીચિંગ પ્રેક્ટિસના કલાકો સફળતાપૂર્વક પૂરા કર્યા હતા, જેમાં સમગ્ર બેચમાં તે એકમાત્ર નાની બાળકી હતી. હાલ તે તેની માતા સાથે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં બાળકો અને વડીલોને યોગ શીખવી રહી છે.

તેનું સૌથી મનપસંદ આસન વૃક્ષાસન છે, કારણ કે એમાં સંતુલન જાળવવું પડકારજનક અને મનોરંજક લાગે છે. તે અન્ય બાળકોને પણ શીખવે છે કે જ્યારે ગુસ્સો કે ચિંતા થાય ત્યારે ઊંડા શ્વાસ લેવા જોઈએ જેથી મન શાંત રહે. યોગ ઉપરાંત આ બાળકી બે વર્ષની ઉંમરથી બેલે ડાન્સ અને 3 વર્ષની ઉંમરથી પિયાનો વગાડી રહી છે તેમજ તેને રોબોટિક્સ અને સાયન્સમાં પણ ભારે રસ છે.

ભવિષ્યમાં અવકાશયાત્રી બનવાની ઇચ્છા ધરાવતી ફીનિક્‍સનું મુખ્ય સપનું એ છે કે તે મોટી થઈને અવકાશમાં જઈને યોગ કરનારી દુનિયાની સૌપ્રથમ વ્યક્તિ બને. આ ટેલેન્ટેડ બાળકીની અદ્ભુત પ્રતિભા અને આત્મવિશ્વાસ હાલ સોશિયલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી રહ્યા છે અને સૌ કોઈ તેને પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે.

બાળ પ્રતિભા અને પ્રેરણા

નાની વયે જ કઠોર પરિશ્રમ અને ધગસ દ્વારા અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરતા બાળકો સમગ્ર વિશ્વના યુવાનો અને નાગરિકો માટે અનુકરણীয় ઉદાહરણ પૂરું પાડે છે.