હેરસ્ટાઇલમાં વિક્ટોરિયન યુગની વાપસી: રમણીઓમાં ફરી ટ્રેન્ડ બની સદી જૂની 'કિસ કર્લ' સ્ટાઇલ
-
1920 થી 1950 દરમિયાન હોલિવૂડમાં અને હિન્દી સિનેમાના સુવર્ણ યુગમાં અત્યંત લોકપ્રિય રહી હતી આ સ્ટાઇલ
-
સાન્યા મલ્હોત્રા, સુબિક્ષા શિવકુમાર અને હોલિવૂડ એક્ટ્રેસ ઓડેસા આ વિન્ટેજ લુકમાં જોવા મળી
સિટી ન્યુઝ @ લાઈફસ્ટાઈલ
મહિલાઓને અલગ અને આકર્ષક લુક આપતી હેરસ્ટાઇલની ફેશન સમયાંતરે બદલાતી રહે છે. હાલના ફેશન ટ્રેન્ડમાં લગભગ એક સદી જૂની અને વિક્ટોરિયન યુગની ઓળખ ગણાતી 'કિસ કર્લ' હેરસ્ટાઇલ ફરીથી યુવતીઓ અને ફેશન જગતમાં ભારે લોકપ્રિય બની રહી છે.
આ અનોખી હેરસ્ટાઇલમાં માથાના આગળના ભાગની વાળની લટને 'S' કે 'C' આકારમાં ચહેરા પર સુંદર રીતે સેટ કરવામાં આવે છે. હોલિવૂડમાં 1920 થી 1950 સુધી લાગલગાટ 30 વર્ષ સુધી આ સ્ટાઇલનો દબદબો રહ્યો હતો. આ ઉપરાંત હિન્દી સિનેમાના ક્લાસિક ગોલ્ડન યુગમાં મધુબાલા, મીનાકુમારી, નૂતન, નંદા, આશા પારેખ અને માલા સિંહા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ માટે પણ 'કિસ કર્લ' પહેલી પસંદ હતી. તાજેતરમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા, મોડેલ સુબિક્ષા શિવકુમાર અને હોલિવૂડ અદાકારા ઓડેસા આ વિન્ટેજ સ્ટાઇલમાં જોવા મળતાં ફરી તેનો ક્રેઝ વધ્યો છે.
હેર સ્ટાઇલિસ્ટોના જણાવ્યા મુજબ, આ લુક મેળવવા માટે સૌપ્રથમ વાળ પર હીટ પ્રોટેક્શન સ્પ્રે છાંટવો જોઈએ. ત્યારબાદ મિની કર્લિંગ આયર્ન અથવા પોઈન્ટેડ બ્રશની મદદથી લટને 'S' કે 'C' આકાર આપી હળવેથી સેટ કરવી. કર્લ નેચરલ દેખાય તે રીતે સ્ટાઇલિંગ જેલ કે વેક્સ લગાવી હળવો હેરસ્પ્રે કરવો જેથી વાળ વિખાઈ ન જાય. શાઈનિંગ લુક માટે એન્ટિ-ફ્રિઝ સીરમ પણ વાપરી શકાય છે. જેમના વાળ કુદરતી રીતે સુંવાળા ન હોય તેમણે આ પ્રક્રિયા કરતાં પહેલાં હળવો બ્લો ડ્રાય કરી લેવો જરૂરી છે.
ફેશનમાં 'કિસ કર્લ'ની વાપસી
એક સદી પુરાણી વિક્ટોરિયન શૈલીની 'કિસ કર્લ' હેરસ્ટાઇલ ફરી ફેશનમાં ટ્રેન્ડ કરી રહી છે. વાળની લટને 'S' કે 'C' આકાર આપી જેલ અને સ્પ્રે વડે સેટ કરવામાં આવે છે. સાન્યા મલ્હોત્રા સહિતની સેલેબ્સે આ વિન્ટેજ લુક અપનાવ્યો છે.