Loading Please Wait !!!
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: હથિયાર પહોંચાડનારા ચાર ઝડપાયા!

 

  • લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુરિયર તરીકે કામ કરતી બે મહિલાઓ!

  • બોલિવૂડમાં ભય ફેલાવવા માટે રચાયું હતું ખતરનાક ષડયંત્ર!

  • ગિલબર્ટ હિલમાં ભાડે રહીને આરોપીઓએ કરી હતી રેકી!

સિટી ન્યુઝ @ મુંબઈ 

મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફની BMW કાર પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ દ્વારા હથિયારો પહોંચાડનાર નેટવર્ક પર મોટો ગાળિયો કસવામાં આવ્યો છે. આ મામલામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હરિયાણાના સોનીપતના રહેવાસી એવા બે મહિલાઓ અને બે પુરુષો સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમણે શૂટરોને હથિયારો પૂરા પાડ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે રાધા અને બબીતા નામની બે મહિલાઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કુરિયરનું કામ કરતી હતી. તેઓ ટ્રેન દ્વારા હથિયારો લઈને મુંબઈ પહોંચી હતી અને ત્યાં ગેંગના હેન્ડલરને હથિયારો સોંપ્યા હતા. પરત ફરતી વખતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી તેમની ધરપકડ કરી હતી, જ્યારે કુણાલ અને સુમિતને સોનીપતથી ઝડપી લેવાયા હતા.

આ કેસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે હુમલાખોરોનો મૂળ ટાર્ગેટ ટાઈગર શ્રોફ નહોતો, પરંતુ અન્ય કોઈ અન્ય મોટી બોલિવૂડ હસ્તી હતી. પોતાના પહેલા નિશાન સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા બાદ આરોપીઓએ બોલિવૂડમાં ભય ફેલાવવાના હેતુથી ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યા હતા.

આરોપીઓએ ટાઈગર શ્રોફની સુરક્ષા વ્યવસ્થા જાણવા માટે સોશિયલ મીડિયા રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની મદદથી રેકી કરી હતી. ટાઈગર પાસે પોલીસ સુરક્ષા ન હોવાની જાણકારી મળ્યા બાદ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. મુંબઈના ગિલબર્ટ હિલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આ આરોપીઓ પોતાને ગિગ વર્કર અને રેપિડોના કર્મચારી તરીકે ઓળખાવતા હતા.

બોલિવૂડ અને ગેંગસ્ટર કનેક્શન: સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

મુંબઈ જેવા સુરક્ષિત શહેરમાં ફિલ્મી હસ્તીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરવાની ઘટનાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે સંગઠિત અપરાધ અને ગેંગસ્ટર નેટવર્ક કેટલા સક્રિય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેલિબ્રિટીઝની ગતિવિધિઓ અને લોકેશન પર નજર રાખીને હુમલાનું આયોજન કરવું એ સુરક્ષા એજન્સીઓ અને ખુદ કલાકારો માટે પણ એક ગંભીર ચેતવણી છે. જો સમયસર આવા અપરાધીઓનું નેટવર્ક નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે, તો મુંબઈની કલા નગરીમાં ભયનું વાતાવરણ વધુ ઊંડું થઈ શકે છે.