Loading Please Wait !!!
નંદીગ્રામ એક્સપ્રેસ બની 'સુહાગરાત એક્સપ્રેસ': ટ્રેનમાં હનીમૂન ડેકોરેશન કરનાર મુસીબતમાં

 

 

  • રેલવેની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને ખાનગી ડેકોરેટર્સે કૂપ સજાવી, ટિકિટ ચેકર સસ્પેન્ડ 

  • વીડિયો વાયરલ થતાં રેલ મંત્રાલય એક્શન મોડમાં, ડેકોરેટર્સનો પ્રવેશ બન્યો ગંભીર સુરક્ષા ચૂક 

  • સત્તાવાર પરવાનગી વિના ડેકોરેશન કરનારાઓ પર તવાઈ, રેલવેએ તપાસના આપ્યા આદેશ

     

સિટી ન્યૂઝ @ મહારાષ્ટ્ર

નંદીગ્રામ એક્સપ્રેસ (ટ્રેન નંબર 11002) ના ફર્સ્ટ ક્લાસ એસી (1AC) કૂપમાં કરવામાં આવેલી એક અત્યંત અસામાન્ય અને વિવાદાસ્પદ સજાવટે રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેનના એક કૂપને કોઈ 'હનીમૂન સ્યુટ'ની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સજાવટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક નવપરિણીત યુગલે પોતાની સફરને યાદગાર બનાવવા માટે ખાનગી ડેકોરેટરને હાયર કરીને કરાવી હતી. જ્યારે ટ્રેન જાલના સ્ટેશન પર હતી, ત્યારે કોઈ પણ સત્તાવાર પરવાનગી વિના ડેકોરેટર્સ ટ્રેનની અંદર પ્રવેશી કૂપમાં ગુબ્બારા, ફૂલો અને લાઇટિંગથી સજાવટ કરી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ આ ટ્રેનને 'સુહાગરાત એક્સપ્રેસ' જેવું રમુજી નામ આપી દીધું હતું. જોકે, આ ઘટના પાછળ સુરક્ષાના ગંભીર મુદ્દાઓ જોડાયેલા છે. મુસાફરો અને યુઝર્સે આશંકા વ્યક્ત કરી હતી કે ટ્રેનની અંદર ઈલેક્ટ્રિક લાઈટ્સ, ગુબ્બારા અને અન્ય જ્વલનશીલ ડેકોરેશન સામગ્રીને કારણે શોર્ટ સર્કિટ કે આગ લાગવાનું મોટું જોખમ રહેલું છે. રેલવેની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને ખાનગી ડેકોરેટર્સનો આ રીતે અનધિકૃત પ્રવેશ મુસાફરોની સલામતી સાથે સીધા ચેડાં સમાન ગણવામાં આવી રહ્યો છે.

મામલો સામે આવતાની સાથે જ રેલ મંત્રાલય તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. આ ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક ગણીને રેલવે પ્રશાસને ફરજ પરના સંબંધિત ટિકિટ ચેકર (TC) ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ સજાવટ માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટનાની વિસ્તૃત ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં કોની બેદરકારી જવાબદાર છે તે શોધીને તપાસ અહેવાલના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.