Loading Please Wait !!!
દેશભરમાં ચોમાસાનો કહેર: ૧૭ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ

  • દિલ્હીથી મુંબઈ સુધી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ
  • ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, તંત્ર હાઈ એલર્ટ પર
  • પહાડી વિસ્તારોમાં સંપર્ક તૂટ્યો, પ્રશાસન દ્વારા સતત મોનિટરિંગ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જતાં હાહાકાર જેવો માહોલ છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીનાં મેગા સિટીઝ અને પહાડી રાજ્યોમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશનાં પ્રમુખ 17 રાજ્યોમાં આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ કુદરતી આપત્તિ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં સતત વરસાદને કારણે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પશ્ચિમ ભારતના મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને 62 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 71 માર્ગો બંધ થતાં સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં નેશનલ હાઈવેનો મોટો હિસ્સો ધોવાઈ જવાની ઘટના બની છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને આસામ સહિતના રાજ્યો માટે પણ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ યથાવત છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાઓની નજીક ન જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેથી જાન-માલનું નુકસાન ઘટાડી શકાય.

ચોમાસાનું ગણિત અને જોખમ

વર્તમાન ચોમાસા દરમિયાન મહારાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડા સંબંધિત અકસ્માતોમાં 62 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 200થી વધુ પશુઓના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને રામગંગા નદીમાં 600 મીટર લાંબું કૃત્રિમ તળાવ બન્યું છે. દિલ્હીમાં 10 અને 11 જુલાઈ સુધી ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે, ત્યારબાદ 12 અને 13 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે.