ઈરાન સામે અમેરિકાની જંગી જીત: ટ્રમ્પનો આક્રમક હુંકાર
- ઈરાન પાસે હવે બહુ ઓછો સમય, ડીલ કરવા લાયક નથી
- ઈરાન કાબૂ બહાર છે, વ્યાપારી જહાજો પરના હુમલા અસહ્ય
- ઈરાન મને મારવા માંગે છે, મારી હિટલિસ્ટમાં હું નંબર વન
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા તણાવ વચ્ચે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે અમેરિકા સૈન્ય તાકાતના જોરે ઈરાન સામે પહેલેથી જ જીતી ચૂક્યું છે. તુર્કીમાં આયોજિત નાટો દેશોની બેઠકમાં ભાગ લઈને પરત ફરી રહેલા ટ્રમ્પે એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈરાન હવે સમયની ગંભીરતા સમજે અને તેમની પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે કાબૂ બહાર અને પાગલ જેવી હરકતો કરી રહ્યું છે.
ટ્રમ્પે ઈરાન દ્વારા કરવામાં આવતી સમજૂતીની વાતો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, થોડા સમય પહેલા જ ઈરાન તરફથી મને ફોન કરવામાં આવ્યો હતો અને તેઓ ખૂબ જ ખરાબ રીતે સમજૂતી કરવા વિનંતી કરી રહ્યા હતા, પરંતુ શું તેઓ ખરેખર કોઈ ડીલ કરવા લાયક છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. જો તેઓ ખરેખર શાંતિ ઈચ્છતા હોય તો વ્યાપારી જહાજો પર હુમલા કરવાનું શું કારણ છે? ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની આ હરકતો તેમને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને તે માટે તેઓ સખત વલણ અપનાવશે.
પોતાની સુરક્ષા અંગે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન મને મારવા ઈચ્છે છે અને તેમની હિટલિસ્ટમાં મારું નામ નંબર વન પર છે. આ આક્રમક રણનીતિના ભાગરૂપે ટ્રમ્પે ચીમકી આપી છે કે જો ઈરાન અમેરિકા પર એક પણ હુમલો કરવાનું દુસ્સાહસ કરશે, તો વળતા પ્રહારમાં અમેરિકા ૧૦ થી ૨૦ ગણા મોટા હુમલા કરવામાં જરા પણ ખચકાશે નહીં. ટ્રમ્પના આ નિવેદનો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે.
અમેરિકા-ઈરાન ટકરાવ
ટ્રમ્પના દાવા મુજબ ઈરાન પર હાલમાં જ મોટો હુમલો કરવામાં આવ્યો છે. વ્યાપારી જહાજો પરના હુમલાને કારણે અમેરિકા ઈરાન પ્રત્યે અત્યંત નારાજ છે. ઈરાન તરફથી સમજૂતી માટે પ્રયત્નો થઈ રહ્યા હોવા છતાં ટ્રમ્પ તેમને વિશ્વાસપાત્ર ગણતા નથી. પોતાની સુરક્ષાને લઈને ટ્રમ્પે ઈરાન સામે આકરા પાણીએ હોવાનું જણાવ્યું છે અને કોઈપણ ભોગે જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.