અમેરિકાના વિદેશ મંત્રી માર્કો બિયોની તાજ હોટેલ મુલાકાત!
-
26/11 ના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અર્પણ!
-
સુરક્ષા વડા સુનીલ કુડિયાડી સાથે કરી ખાસ મુલાકાત!
-
આતંકવાદ સામેની લડાઈમાં ભારત-અમેરિકાનો સહયોગ રહેશે ચાલુ!
સિટી ન્યુઝ @ મુંબઈ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો બિયોએ મુંબઈની ઐતિહાસિક તાજ મહેલ પેલેસ હોટેલની મુલાકાત લઈને 26 નવેમ્બર, 2008ના ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ હુમલામાં છ અમેરિકન નાગરિકો પણ ભોગ બન્યા હતા.
આ મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માર્કો બિયોને તાજ હોટેલના સુરક્ષા વડા સુનીલ કુડિયાડી સાથે મુલાકાત કરાવડાવી હતી. કુડિયાડી 2008ના હુમલા વખતે હોટેલમાં જ હાજર હતા અને તેમણે અમેરિકી વિદેશ મંત્રીને હુમલાના સમયની પ્રત્યક્ષ વિગતો તથા આતંકવાદીઓએ હોટેલ પર કેટલો સમય કબજો જમાવ્યો હતો તેની વિસ્તૃત માહિતી આપી હતી.
તાજ હોટેલના સુરક્ષા અને સલામતી વિભાગના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ સુનીલ કુડિયાડીએ તે વિપરીત પરિસ્થિતિમાં હોટેલના કર્મચારીઓએ પોલીસને પરિસરની બ્લૂપ્રિન્ટ સમજાવવામાં અને ફસાયેલા મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં જે બહાદુરી દાખવી હતી તેની પણ યાદ તાજી કરી હતી.
માર્કો બિયોએ જણાવ્યું હતું કે આ મુલાકાતનો ઉદ્દેશ માત્ર હુમલામાં જીવ ગુમાવનારાઓને યાદ કરવાનો જ નથી, પરંતુ સંકટના કપરા સમયમાં પોતાની જાનના જોખમે લોકોની મદદ કરનારા બહાદુરોનું સન્માન કરવાનો પણ છે. તેમણે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય સહયોગ ભવિષ્યમાં પણ મજબૂત રીતે ચાલુ રહેશે તેવી દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ઉચ્ચસ્તરીય મુલાકાતે બંને દેશો વચ્ચે આતંકવાદ વિરોધી મોરચે પરસ્પર વિશ્વાસ અને સહકારને વધુ ગાઢ બનાવવાનો સંદેશ આપ્યો છે, જે વૈશ્વિક શાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક એકતા 26/11 ના ઘા અને મજબૂત સંકલ્પ
મુંબઈ પર થયેલો 26/11 નો હુમલો એ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર મુક્ત વિશ્વ માટે એક કાળો અધ્યાય હતો જેમાં અનેક વિદેશી નાગરિકોએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. અમેરિકી વિદેશ મંત્રી દ્વારા તાજ હોટેલની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી અને આતંકવાદ સામે સાથે મળીને લડવાની વાત દોહરાવવી એ દર્શાવે છે કે માનવતાના દુશ્મનો સામે આખી દુનિયા એકજુટ છે. સુરક્ષાકર્મીઓની સતર્કતા અને બહાદુરી જ આપણી સૌથી મોટી તાકાત છે.