સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર મોટો સાઇબર એટેક!
-
SBI ડેટા બ્રીચ: સાઇબર હુમલાખોરોએ ચોર્યો ગ્રાહકોનો ડેટા!
-
સ્ટેટ બેન્ક દ્વારા સર્વર પર થયેલા હુમલાની પુષ્ટિ!
-
3.75 લાખ રેકોર્ડ્સના એનાલિસિસ બાદ ચોંકાવનારો ખુલાસો!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશની સૌથી મોટી બેન્ક એવી ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પર સાઇબર એટેક થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ખુદ એસબીઆઈએ આ જાણકારીની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બેન્કના સર્વર પર સાઇબર હુમલાખોરોએ એટેક કર્યો હતો અને આ દરમિયાન કેટલાક ગ્રાહકોનો પર્સનલ ડેટા ચોરી કરવામાં આવ્યો છે.
બેન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સાઇબર હુમલામાં આશરે 3,900 ખાતાધારકોનો પર્સનલ રેકોર્ડ ચોરી થયો છે. લીક થયેલી વિગતોમાં ગ્રાહકનું નામ, ફોન નંબર, આઈડી અને લોન સંબંધિત ડિટેઇલ્સ સામેલ છે. જો કે, બેન્કે સ્પષ્ટ કર્યું છે કે આ સાઇબર એટેકને કારણે તેમના કોર ઓપરેશન કે નાણાકીય કામગીરી પર કોઈ વિપરીત અસર નહીં પડે.
અગાઉ 16 ઓક્ટોબરે SBI ને કેટલીક સરકારી એજન્સીઓ તરફથી હેકિંગ એલર્ટ મળ્યું હતું, જેમાં થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર, ડિફેન્સ સાઇબર એજન્સી અને ઇન્ડિયા કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ના નામ સામેલ હતા. આ એલર્ટ બાદ બેન્કે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
શરૂઆતની તપાસમાં આશરે 3.75 લાખ રેકોર્ડનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 3,897 ખાતાધારકોના રેકોર્ડ્સ પ્રભાવિત થયા હોવાનું જણાયું હતું. આ લીક થયેલી માહિતીમાં ગ્રાહકનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઇમેલ એડ્રેસ, સરનામું અને બ્રાન્ચની વિગતો સામેલ છે.
SBI એ ગ્રાહકોને આશ્વાસન આપતા દાવો કર્યો છે કે બેન્કિંગ ઓપરેશન પહેલાની જેમ નોર્મલ રીતે જ કામ કરતા રહેશે અને કસ્ટમર્સના બેંક એકાઉન્ટ્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેન્ક દ્વારા સાઇબર સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ડિજિટલ બેન્કિંગ યુગમાં સાઇબર સુરક્ષા: બેન્કો અને ગ્રાહકોની જવાબદારી
આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના નાણાકીય વ્યવહારો ઓનલાઈન થાય છે, ત્યાં બેન્કોના સર્વર પર સાઇબર હુમલા થવા એ સમગ્ર ફાઈનાન્સિયલ સેક્ટર માટે એક ગંભીર લાલબતી સમાન છે. ભલે SBI દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો હોય, પરંતુ પર્સનલ ડેટા લીક થવો એ ગ્રાહકોની ગોપનીયતા પર મોટો પ્રશ્નાર્થ છે. બેન્કોએ પોતાની સાઇબર સિક્યુરિટી સિસ્ટમને વધુ અદ્યતન અને સુરક્ષિત બનાવવી પડશે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય.