Loading Please Wait !!!
શાંઘાઈમાં નદી નીચેથી દોડતી અનોખી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન!

 

  • બંડ સાઈટસીઈંગ ટનલના રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!

  • રંગબેરંગી એલઈડી લાઈટો અને લેઝર શોનો અદભુત નજારો!

  • માત્ર 3 થી 5 મિનિટમાં નદી પાર કરતી ટ્રેન!

સિટી ન્યુઝ @ શાંઘાઈ 

ચીનના શાંઘાઈ શહેરમાં હુઆંગયૂ નદીની નીચેથી પસાર થતી એક અત્યંત અનોખી ટ્રેનમાં સફર દરમિયાન પ્રવાસીઓ લેઝર શો અને રંગબેરંગી રોમાંચક અનુભવ કરી રહ્યા છે. 'બંડ સાઈટ સઈંગ ટનલ' નામનો આ અન્ડરગ્રાઉન્ડ રસ્તો નદીના એક કિનારે આવેલા ઐતિહાસિક બંડ વિસ્તારને સામે પારના પુ ડોંગ ક્ષેત્ર સાથે જોડે છે.

આ રોમાંચક સફરનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બ્લોગર સીડીઓ ઉતરીને સુરંગ સુધી પહોંચે છે અને ટિકિટ ખરીદીને ટ્રેનમાં બેસે છે, ત્યારબાદ આખો માહોલ પ્રકાશ અને અવાજોથી ભરેલા જાદુઈ વિશ્વમાં ફેરવાઈ જાય છે.

સુરંગની અંદર ચારેય તરફ રંગબેરંગી એલઈડી લાઈટો, આકર્ષક લેઝર પ્રોજેક્શન અને અંતરિક્ષ સાથે સંકળાયેલી અદભુત ધ્વનિ અસરો (સાઉન્ડ ઇફેક્ટ્સ) જોવા અને સાંભળવા મળે છે, જે પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની જાય છે.

આ અંડરગ્રાઉન્ડ સુરંગ લગભગ 647 મીટર લાંબી છે, જેમાં સામાન્ય મેટ્રો ટ્રેનને બદલે સ્વચાલિત (ઓટોમેટિક) નાની ગાડીઓ દોડે છે. આ ઓટોમેટિક ગાડીઓ પ્રવાસીઓને માત્ર 3 થી 5 મિનિટના ટૂંકા સમયમાં નદીની એક બાજુથી બીજી બાજુ પહોંચાડી દે છે.

આ અનોખી સફર માટે આવવા-જવાની ટિકિટ 70 યુઆન એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 993 રૂપિયા છે. નદીની નીચે ચાલતી આ હાઇ-ટેક ટ્રેન રાઈડ હાલ દેશ-વિદેશના પર્યટકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ટેક્નોલોજી અને પર્યટનનો અદભુત સમન્વય: શાંઘાઈની અંડરગ્રાઉન્ડ ટનલ

આજના આધુનિક યુગમાં પર્યટનને માત્ર ફરવા પૂરતું સીમિત રાખવાને બદલે તેને એક રોમાંચક અનુભવમાં ફેરવી દેવામાં ચીન હંમેશાં મોખરે રહ્યું છે. શાંઘાઈની આ હુઆંગયૂ નદી નીચે બનેલી અંડરગ્રાઉન્ડ ટનલ અને તેમાં દોડતી ઓટોમેટિક ટ્રેન એ વાતની સાક્ષી આપે છે કે કેવી રીતે એન્જિનિયરિંગ અને કલાત્મક લાઇટિંગ શો દ્વારા સામાન્ય મુસાફરીને પણ યાદગાર બનાવી શકાય છે. ભવિષ્યના શહેરી પરિવહન માટે આ પ્રકારના પ્રયોગો અન્ય દેશો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.