Loading Please Wait !!!
PM મોદીએ દિલ્હીના આઈપી એક્સટેન્શનમાં કર્યું રાવણ દહન!

 

  • દેશના દુશ્મનો સામે એક થઈને લડવા PMની અપીલ!

  • સત્તાનો આશય શાસન નહીં પરંતુ જનકલ્યાણ છે: મોદી!

  • છેલ્લા 12 વર્ષમાં 650થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

દેશભરમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વીય દિલ્હીના આઈપી એક્સટેન્શન ખાતે યોજાયેલા દશેરા સમારંભમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાવણ દહન કર્યું હતું. આ અવસરે તેમણે દેશ સામેના પડકારોનો સાથે મળીને સામનો કરવા અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે પ્રચંડ સંદેશ આપ્યો હતો.

વિજયાદશમીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા PM મોદીએ જણાવ્યું કે આ તહેવાર અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સત્તાનો મૂળ આશય શાસન કરવાનો નથી, પરંતુ જનકલ્યાણનો છે, અને આ જ પ્રભુ શ્રીરામનો સર્વોચ્ચ આદર્શ છે.

સમારોહને સંબોધતા વડાપ્રધાને દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડનારી તાકાતો, સમાજને વિભાજિત કરનારા તત્વો અને આપણી સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતાને ઓળખીને તેનો સંયુક્ત મુકાબલો કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો અને સંસ્થાઓએ રાષ્ટ્રીય હિત માટે હંમેશાં એકસાથે ઊભું રહેવું પડશે.

દેશની સાંસ્કૃતિક વિરાસતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભૂતકાળમાં આપણી ધરોહરોને લૂંટીને વિદેશ લઈ જવામાં આવી હતી, પરંતુ વર્તમાન સરકારે છેલ્લા 12 વર્ષમાં 650થી વધુ પ્રાચીન મૂર્તિઓ અને કલા કૃતિઓને સન્માનપૂર્વક ભારત પરત લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

અંતમાં તેમણે ઉમેર્યું કે ભારત તેના પ્રાચીન સાંસ્કૃતિક કેન્દ્રોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. પ્રભુ શ્રીરામના આદર્શો આજે પણ માનવતાના ઇતિહાસમાં સુશાસન અને ન્યાયના શ્રેષ્ઠ માપદંડ સમાન છે, જેને અનુસરીને જ રાષ્ટ્ર પ્રથમની ભાવના મજબૂત થઈ શકે છે.

વિજયાદશમીનો સંદેશ: રાષ્ટ્ર પ્રથમ અને સાંસ્કૃતિક ગૌરવનું પુનરુત્થાન

દશેરાનો આ તહેવાર માત્ર અસત્ય પર સત્યની વિજયગાથા નથી, પરંતુ તે આપણી આંતરિક શક્તિ અને સામાજિક એકતાની પરીક્ષા પણ છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલો 'રાષ્ટ્ર પ્રથમ'નો મંત્ર અને દેશની લુપ્ત થયેલી સાંસ્કૃતિક ધરોહરોને પરત લાવવાની ઝુંબેશ એ વાતની સાક્ષી છે કે ભારત પોતાના વિરાસત પ્રત્યે કેટલું ગંભીર અને સભાન છે. જો દેશના નાગરિકો ભેદભાવ ભૂલીને રાષ્ટ્રીય હિતમાં એક થશે, તો કોઈપણ બાહ્ય કે આંતરિક શક્તિ દેશની પ્રગતિને રોકી શકશે નહીં.