શું અમેરિકાના હથિયારોનો ભંડાર ખાલી થઈ રહ્યો છે? ઈરાન સાથેના જંગમાં મોટું જોખમ
- THAAD અને પેટ્રિયટ મિસાઈલોનો સ્ટોક અડધો, ચીન અને ઉત્તર કોરિયા સામે વધ્યું સંકટ
- બીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું જોખમ, ઉત્પાદન ક્ષમતામાં મોટો અભાવ
- દર મહિને મર્યાદિત ઉત્પાદન, ભંડાર ફરી ભરવામાં લાગશે વર્ષોનો સમય
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષે હવે એક નવો વળાંક લીધો છે, જેમાં અમેરિકાના સંરક્ષણ ભંડારની મર્યાદાઓ સ્પષ્ટપણે સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર, ઈરાન સામેની લાંબી લડાઈને કારણે અમેરિકાની અદ્યતન 'THAAD' અને 'પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર' મિસાઇલોનો જથ્થો લગભગ અડધો થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનો સમય પૂરો થયાની જાહેરાત કરી છે, જેનાથી આગામી દિવસોમાં યુદ્ધ વધુ ઉગ્ર બનવાની આશંકા છે. સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, જો આ જ ગતિએ સંઘર્ષ ચાલતો રહેશે, તો અમેરિકાની સૈન્ય અને આર્થિક સ્થિતિ ૧૯૪૫ પછીના જાપાન અને જર્મની જેવી કટોકટીભરી બની શકે છે.
આ સ્થિતિ માત્ર ઈરાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની સુરક્ષા ક્ષમતા પર પણ સવાલો ઉભા કરે છે. 'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS)ના વિશ્લેષકોનું માનવું છે કે, નજીકના ભવિષ્યમાં ચીન કે ઉત્તર કોરિયા જેવા દેશો સાથેના કોઈ સંભવિત સંઘર્ષ વખતે અમેરિકા પાસે પૂરતા આધુનિક શસ્ત્રોનો અભાવ હોઈ શકે છે. હથિયારોના વપરાશની ઝડપ અને તેના ઉત્પાદન વચ્ચે મોટું અંતર છે; દાખલા તરીકે, દર મહિને માત્ર ૧૫ ટોમાહોક અને ૨૦ પેટ્રિયટ મિસાઈલોનું જ ઉત્પાદન થઈ રહ્યું છે, જે યુદ્ધની જરૂરિયાત સામે અત્યંત ઓછું છે.
પેન્ટાગોન આ જોખમોને સ્વીકારીને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પ સરકારે 'ડિફેન્સ પ્રોડક્શન એક્ટ' હેઠળ વહીવટી અડચણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સહયોગી દેશોમાં ઉત્પાદન વધારવાની વ્યૂહરચના પણ અમલમાં મૂકી છે. જોકે, નિષ્ણાતોના મતે, આ ભંડારને યુદ્ધ પહેલાના સ્તરે પહોંચાડવા માટે ઓછામાં ઓછા ૩ થી ૫ વર્ષનો સમય લાગી શકે છે. આમ, લાંબા ગાળાના યુદ્ધમાં અમેરિકાની વૈશ્વિક બાદશાહત અને સૈન્ય પકડ પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે.
સંરક્ષણ ક્ષમતાનું વિશ્લેષણ
હથિયારોનો સ્ટોક અને ભવિષ્યની પડકારો અમેરિકાના સંરક્ષણ વિભાગ પાસે હાલમાં THAAD અને પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર્સનો સ્ટોક ૫૦% સુધી ઘટી ગયો છે, જ્યારે ટોમાહોક ક્રૂઝ મિસાઈલોમાં ૩૦% ઘટાડો જોવા મળ્યો છે. સંસદીય બજેટની અછત અને ધીમી ઉત્પાદન ગતિને કારણે આ હથિયારો ફરી ભરાવા માટે વર્ષો નીકળી જશે. ભવિષ્યના વૈશ્વિક જોખમોને પહોંચી વળવા માટે અમેરિકાએ પોતાની ડિફેન્સ પ્રોડક્શન ક્ષમતામાં તાત્કાલિક અને મોટા પાયે ફેરફાર કરવાની અનિવાર્યતા છે.