Loading Please Wait !!!
બેંગકોકના પબમાં ભીષણ આગથી ૨૭ લોકોના દર્દનાક મોત

  • શોર્ટ સર્કિટ બાદ ધડાકો થતા પબમાં મચી અફરાતફરી, અનેક લોકો ગંભીર
  • જીવ બચાવવા વોશરૂમમાં ભરાયેલા લોકોના શ્વાસ રૂંધાવાથી થયા મોત
  • ઘટનાસ્થળે જોરદાર ધડાકા સાથે ફેલાઈ આગ, તપાસના આદેશ અપાયા

સિટી ન્યુઝ @ બેંગકોક

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા 'ના લાદપ્રાઓ' પબમાં સોમવારે વહેલી સવારે સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટનામાં ૨૭ લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેજ નજીક આવેલા સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ થવાથી જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે ગણતરીની સેકન્ડોમાં સમગ્ર પબમાં આગ પ્રસરી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં હાજર ગ્રાહકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

આ દુર્ઘટનામાં સૌથી વધુ જાનહાનિ પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમમાં થઈ હતી. જીવ બચાવવા માટે ઘણા લોકો રેસ્ટરૂમ તરફ દોડ્યા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન હોવાથી ધુમાડાના કારણે ગૂંગળામણ થતા અને આગમાં દાઝી જવાથી તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ફાયર ફાઈટરોને તપાસ દરમિયાન ત્યાંથી અનેક મૃતદેહો મળી આવ્યા હતા, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ૨૭ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે આ સમગ્ર મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. થાઈલેન્ડમાં નાઈટક્લબોમાં સુરક્ષાના નિયમોની સતત અનદેખી થતી હોવાના ઈતિહાસ વચ્ચે, આ ઘટનાએ વહીવટીતંત્રની લાપરવાહી ફરી ઉજાગર કરી છે. ૨૦૨૨ અને ૨૦૦૯ની ભૂતકાળની ઘટનાઓની જેમ જ આ અગ્નિકાંડમાં પણ ફાયર સેફ્ટીના સાધનો અને ઈમરજન્સી એક્ઝિટના અભાવે મોટી જાનહાનિ થઈ છે.

ફાયર સેફ્ટીમાં મોટી બેદરકારી

સુરક્ષા નિયમોના અભાવે આ હોનારત બેંગકોકની આ દુર્ઘટનાએ ફરી એકવાર નાઈટક્લબોમાં ફાયર સેફ્ટીના અભાવને ઉજાગર કર્યો છે. ઇમરજન્સી એક્ઝિટ દ્વાર ન હોવાને કારણે ગ્રાહકો વોશરૂમમાં ફસાઈ ગયા હતા, જેનાથી મોટી સંખ્યામાં મોત થયા છે. થાઈલેન્ડમાં અગાઉની ઘટનાઓ છતાં પબમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું ન હોવાનું આ દુર્ઘટના પરથી સ્પષ્ટ જણાય છે. આ ઘટનામાં વહીવટીતંત્રની બેદરકારી અને સલામતીના સાધનોનો અભાવ મુખ્ય કારણ માનવામાં આવે છે.