અમેરિકા-ઈરાન ડીલની ભારત પર સીધી અસર: મોંઘવારીમાંથી મળશે મોટી રાહત!
- પેટ્રોલ, ડીઝલ, LPG થી લઈને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ ઘટવાની પ્રબળ શક્યતા
- હોર્મુઝ જળમાર્ગ ખુલવાથી ભારતનો ટ્રાન્સપોર્ટેશન અને ઈમ્પોર્ટ ખર્ચ નોંધપાત્ર ઘટશે
- પેટ્રોકેમિકલ આધારિત સાબુ, ક્રીમ, દવાઓ અને ટાયર ઉદ્યોગને પણ મળશે મોટો ફાયદો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
લગભગ સાડા ત્રણ મહિના સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલા ભયાનક યુદ્ધ બાદ હવે બંને દેશો વચ્ચે શાંતિ કરારનો રસ્તો સાફ થતો દેખાઈ રહ્યો છે. 19 જૂનના રોજ પ્રસ્તાવિત આ કરાર જો સફળતાપૂર્વક લાગુ થશે, તો તેનો સીધો અને સૌથી મોટો આર્થિક ફાયદો ભારતને મળશે. ભારત પોતાની જરૂરિયાતનું 85 થી 88 ટકા કાચું તેલ અને મોટાભાગનો LPG ગેસ આયાત કરે છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે આવે છે. યુદ્ધ ખતમ થવાથી આ જળમાર્ગ સંપૂર્ણપણે ખુલી જશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય વધશે અને પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા છે.
ઈંધણ સસ્તું થવાથી દેશભરમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે. ડીઝલ સસ્તું થતાં ખેતી, કોલ્ડ સ્ટોરેજ અને માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે, પરિણામે શાકભાજી, ફળો અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ પણ નીચે આવશે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સસ્તું થવાથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય હવાઈ સફર માટે એરલાઈન્સ કંપનીઓ ટિકિટના ભાડામાં ઘટાડો કરી શકે છે. જો મોંઘવારી દરમાં એકંદર નરમી આવશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજદરો ઘટાડી શકે છે, જેનાથી ભવિષ્યમાં હોમ લોન અને કાર લોનના EMI પણ સસ્તા થઈ શકે છે.
ક્રૂડ ઓઇલ સસ્તું થવાની અસર માત્ર ઈંધણ પૂરતી સીમિત નહીં રહે પરંતુ રોજિંદી વપરાશની અનેક વસ્તુઓ પર પણ જોવા મળશે. સાબુ, ડિટર્જન્ટ, પ્લાસ્ટિક પેકેજિંગ, કોસ્મેટિક્સ (જેમ કે કોલ્ડ ક્રીમ, લિપસ્ટિક), સિન્થેટિક કપડાં અને ફૂટવેર જેવી પ્રોડક્ટ્સ પેટ્રોકેમિકલ આધારિત હોય છે. કાચું તેલ સસ્તું થતાં કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. આ ઉપરાંત ફાર્મા સેક્ટરમાં વપરાતી પ્લાસ્ટિકની સિરીંજ, ગ્લુકોઝ બોટલ અને ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ પણ ભવિષ્યમાં સસ્તી થઈ શકે છે, જે સામાન્ય જનતા માટે એક મોટી આર્થિક રાહત બની રહેશે.
પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ અને રોજિંદી ચીજવસ્તુઓ સામાન્ય રીતે લોકોને એવું જ લાગે છે કે કાચું તેલ સસ્તું થાય એટલે માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે, પરંતુ હકીકતમાં આપણી રોજિંદી વપરાશની 50 ટકાથી વધુ વસ્તુઓ પેટ્રોલિયમ બાય-પ્રોડક્ટ્સ (પેટ્રોકેમિકલ્સ) માંથી બને છે. જેમાં નાહવાના સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, પેરાશૂટ તેલ જેવી પર્સનલ કેર પ્રોડક્ટ્સથી લઈને ટાયર, જૂતાના સોલ અને સિન્થેટિક કપડાં પણ સામેલ છે. તેથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો સમગ્ર ઉત્પાદન શૃંખલાનો ખર્ચ ઘટાડીને બજારમાં એકંદર મોંઘવારી પર નિયંત્રણ લાવે છે.