Loading Please Wait !!!
મહોર્રમના ભોજન સમારંભમાં તન્ઝીમના સેવકોનો આતંક, પરિવારને ઢોર માર માર્યો

  • થાળમાં 8 વ્યક્તિ પૂરા કરવાની જીદમાં સુરતમાં સર્જાઈ ભારે બબાલ
  • વ્હોરા સમાજના ભોજન સમારંભમાં 8 લોકોના નિયમ મુદ્દે મોટી મારામારી
  • સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો, સમાજના આગેવાનોએ કરાવ્યું સમાધાન

સિટી ન્યુઝ @ સુરત

સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલી શેહાબી કોલોની ચલમ વાડ ખાતે મહોર્રમ માસ નિમિત્તે પવિત્ર દિવસ અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ બનેલી આ ઘટનામાં એક પરિવારના 7 સભ્યો ત્યાં ભોજન માટે પહોંચ્યા હતા. જોકે ત્યાં વ્યવસ્થા સંભાળતા તન્ઝીમના સેવકોએ એવો કડક નિયમ આગળ ધર્યો કે જ્યાં સુધી એક થાળમાં પૂરા 8 લોકો ન થાય ત્યાં સુધી ભોજન પીરસવામાં આવશે નહીં. આ પરિવારે લાંબા સમય સુધી આઠમી વ્યક્તિની રાહ જોઈ, પરંતુ કોઈ ન મળતાં અને ભારે વિલંબ થતાં આખરે તેમણે ભોજનનો ત્યાગ કરીને જમ્યા વિના જ ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

પરિવાર જ્યારે જમ્યા વગર બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તન્ઝીમના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને આખા પરિવાર પર તૂટી પડ્યા હતા. તન્ઝીમ આપણી છે તેમ કહીને સેવકોએ પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો, જેમાં કેટલાક લોકોને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવાર પર થઈ રહેલો આ ક્રૂર અત્યાચાર જોઈને ત્યાં હાજર અન્ય લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો. લોકોએ ભેગા મળીને આક્રમક બનેલા તન્ઝીમના સેવકોને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા લોકો ન્યાયની આશા સાથે સીધા જ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મામલો ગંભીર બનતાં દાઉદી વ્હોરા સમાજના મોટા આગેવાનો તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આગેવાનોએ વચ્ચે પડીને બંને પક્ષોને સમજાવવાના સઘન પ્રયાસો કર્યા હતા. આખરે આગેવાનોની મધ્યસ્થી સફળ રહી હતી અને સલાબતપુરા પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો. કોઈ સત્તાવાર ગુનો નોંધ્યા વિના ભલે સમાધાન થઈ ગયું હોય, પરંતુ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે સામાન્ય લોકોમાં આવા ઉદ્ધત સેવકો સામે ભારે નારાજગી અને રોષ ફેલાયો છે.

ધાર્મિક કાર્યક્રમોમાં વ્યવસ્થાપકોની ઉદ્ધત વર્તણૂક

કોઈપણ ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં સ્વયંસેવકોની જવાબદારી લોકોને મદદ કરવાની અને વ્યવસ્થા જાળવવાની હોય છે. પરંતુ સુરતની આ ઘટના દર્શાવે છે કે અમુક કાર્યકરો સત્તાના નશામાં સામાન્ય માણસો સાથે અત્યાચારી વર્તન કરે છે. ભોજન જેવા પવિત્ર કાર્યમાં નિયમોના નામે હિંસા આચરવી એ સમાજની છબી ખરડે છે અને આયોજકોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે. કડક નિયમોના નામે અમાનવીય વર્તન ક્યારેય ચલાવી લેવાય નહીં.