મોરબીના જેતપરમાં ખેડૂતોનો ખાનગી વીજ કંપનીઓ સામે આક્રોશ, આમરણાંત ઉપવાસ શરૂ
- પાટીદાર યુવા સેવા સંઘનું આંદોલનને સમર્થન, 1 વીજપોલના 2 કરોડના વળતરની માંગ
- જેતપર ગામે 3 દિવસથી ખેડૂતો ભૂખ હડતાળ પર, ઘરે-ઘરે અને વાહનો પર લાગશે વિરોધના બેનર
- રવાપરમાં યોજાઈ તાકીદની બેઠક, યોગ્ય વળતર ન મળવા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતર ચૂકવ્યા વિના ઊભા કરવામાં આવી રહેલા વીજપોલના મુદ્દે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. ખેડૂતો છેલ્લા 3 દિવસથી જેતપર ગામ પાસે આ મામલે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે, જેને હવે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
આ આંદોલનના સમર્થનમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રવાપર ગામે એક તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. મનોજ પનારા સહિતના આગેવાનોએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે મોરબી જિલ્લામાંથી 18 જેટલી ખાનગી કંપનીઓની વીજ લાઈનો પસાર થવાની છે. જો ખેડૂતો અને સામાન્ય લોકો અત્યારે જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે.
આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વળતર ચૂકવવાની જવાબદારી સરકારની નહીં પરંતુ ખાનગી કંપનીઓની છે. સંઘે ખાનગી વીજ કંપનીઓ પાસેથી પ્રતિ વીજપોલ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયાનું વળતર લેવાની ઉગ્ર માંગ કરી છે. કંપનીઓએ કામ શરૂ કરતા પહેલા પૂરતું વળતર ચૂકવવું જ પડશે, અન્યથા સમગ્ર ગુજરાતમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. લોકોને જેતપર ખાતેની છાવણીની મુલાકાત લેવા આહવાન કરાયું છે.
જનઆંદોલનને વ્યાપક સ્વરૂપ આપવા માટેની અપીલ ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂતોના આંદોલનને હવે જનઆંદોલન બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાટીદાર યુવા સેવા સંઘે મોરબીના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘર, દુકાન, કારખાના અને વાહનો પર ખેડૂત આંદોલનના સમર્થનમાં બેનર લગાવે જેથી ખાનગી કંપનીઓ પર યોગ્ય વળતર આપવા માટે ભારે દબાણ લાવી શકાય.