ઉદ્ધવ જૂથ પર શિંદેનો પ્રહાર: કૂતરા ભસે છે, વાઘ શિકાર કરે
- ફડણવીસ સાથે ખટરાગની વાતો અફવા, મહાયુતિ અતૂટ હોવાનો શિંદેનો ખુલ્લો દાવો
- બાળાસાહેબ જીવતા હોત તો મોદીના વખાણ કરત, ઉદ્ધવ પર આકરો કટાક્ષ
- શિવસેનાના સ્થાપના દિવસે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું સીધું નિશાન
સિટી ન્યુઝ @ મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં શાબ્દિક યુદ્ધ ફરી એકવાર તેજ બન્યું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. શિંદેએ મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન 100 ટકા મજબૂત છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાતો માત્ર અફવા છે. ટીકાકારોને આકરો જવાબ આપતા શિંદેએ સિંહગર્જના કરી હતી કે કૂતરા ભસતા રહે છે પરંતુ વાઘ હંમેશા શિકાર કરે છે. આ નિવેદનને ઉદ્ધવ જૂથ માટે સીધો અને સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.
વિપક્ષને આડેહાથ લેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે કેટલાક લોકો સતત તેમના અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગેરસમજ ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે ગઠબંધનને અતૂટ ગણાવતા કહ્યું કે તેને તોડવાની વિપક્ષની 1 પણ ચાલ સફળ નહીં થાય. જે લોકો કાવતરાં ઘડે છે તે જ લોકો પાછળથી આવીને બધી હકીકત જણાવી દેતા હોય છે. શિંદેએ ખાતરી આપી કે મહારાષ્ટ્ર સરકાર 24 કલાક પૂરી ગતિથી કામ કરી રહી છે અને લાડકી બહેન જેવી જનકલ્યાણકારી યોજનાઓ સતત ચાલુ જ રહેશે, અફવાઓની સરકારના કામકાજ પર રત્તીભર પણ અસર નહીં થાય.
ઉદ્ધવ ઠાકરે પર સીધો હુમલો કરતા શિંદેએ જણાવ્યું હતું કે જો બાળાસાહેબ ઠાકરે આજે જીવિત હોત તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના મુક્તકંઠે વખાણ કરતા હોત. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ બાળાસાહેબના વર્ષો જૂના સપના હતા જે વર્તમાન નેતૃત્વએ પૂરા કર્યા છે. શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા એમ પણ કહ્યું કે અત્યાર સુધી જે જોયું તે માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હજી બાકી છે અને આગામી સમયમાં પણ જનતા વિકાસના મુદ્દાને જ સમર્થન આપશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધનનું ભવિષ્ય અને વિધાનસભા ચૂંટણી તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 48 માંથી ધાર્યા કરતા ઓછી બેઠકો મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. વિપક્ષોને લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મતભેદ ઊભા કરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીધો ફાયદો ઉઠાવી શકે છે. જોકે, શાસક પક્ષો દ્વારા વારંવાર ડેમેજ કંટ્રોલ કરીને ગઠબંધન મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેથી જનતા અને કાર્યકરોમાં કોઈ ખોટો સંદેશ ન જાય.