Loading Please Wait !!!
આંધ્રપ્રદેશમાં મળ્યો 7500 કરોડનો સોનાનો ખજાનો, 50 ટન રિઝર્વની પુષ્ટિ

  • કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરી ગામમાં સોનાનો મોટો ભંડાર મળતા સરકારમાં ખુશી
  • દેશમાં સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે
  • મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ મહિનાના અંતમાં ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

સિટી ન્યુઝ @ કુર્નૂલ

સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થઈ જશે.

આ મામલે માઇન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીણાએ પત્રકાર પરિષદમાં મહત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે એકલા જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન સોનું મોજૂદ હોવાનો અંદાજ છે અને સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે 7500 કરોડથી લઈને 9000 કરોડ રૂપિયાની વચ્ચે માનવામાં આવે છે. લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ માટે 1500 એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર 500 એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે જેમાંથી 13 ટન સોનાનો અંદાજ મળ્યો છે. બાકીની 1000 એકર જમીન પર શોધખોળ થતાં આ આંકડો 50 ટન સુધી પહોંચી જશે.

જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં કોમર્શિયલ પ્રોડક્શનની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારતની માઇનિંગ મહત્વાકાંક્ષાઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. સરકાર આ ખનિજ-સમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે. સોનાના માઇનિંગ માટે જોન્નાગિરી ઉપરાંત અન્ય 4 સંભવિત જગ્યાઓની ઓળખ થઈ છે, જેમાં રામાગિરી, જવ્વકુલા, ચિગુરુકુંટા અને બિસ્નાટમનો સમાવેશ થાય છે. સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ માઇનિંગ રાઇટ્સ ખાનગી કંપનીઓને સોંપ્યા છે અને ચાલુ મહિનાના અંતમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ પ્રોજેક્ટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે.

આયાત પર નિર્ભરતા ઘટવાથી અર્થતંત્રને મળશે મોટો ફાયદો ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. દર વર્ષે અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ સોનાની ખરીદી પાછળ ખર્ચાય છે. આંધ્રપ્રદેશમાં મળી આવેલા આ જંગી સોનાના ભંડારથી દેશની આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો નોંધાશે. સ્થાનિક સ્તરે ઉત્પાદન વધવાથી દેશના વિદેશી હૂંડિયામણની ભારે બચત થશે અને ભારતીય અર્થતંત્રને નવી મજબૂતી મળશે, જે લાંબા ગાળે અત્યંત ફાયદાકારક સાબિત થશે.