Loading Please Wait !!!
ફાર્મસી પ્રવેશ માટે ACPC દ્વારા મેરીટ જાહેર, 13461 વિદ્યાર્થીઓનો સમાવેશ

  • સરકારી કોલેજોની 5 ટકા બેઠકો પર ફરજિયાત NEET અને JEE ના આધારે પ્રવેશ મળશે
  • 14 હજારથી વધુ ફોર્મ ભરાયા, જેમાંથી 13461 વિદ્યાર્થીઓ મેરીટ યાદીમાં પસંદગી પામ્યા
  • આગામી 27 જૂને ફાઇનલ મેરીટ અને મોક રાઉન્ડનું પરિણામ સત્તાવાર રીતે જાહેર થશે

સિટી ન્યુઝ @ અમદાવાદ

રાજ્યની પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટેક્નિકલ શિક્ષણ વિભાગ હેઠળની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ફાર્મસી કોર્સ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પ્રવેશ માટે કુલ 14418 વિદ્યાર્થીઓએ પોતાની નોંધણી કરાવી હતી, જેમાંથી દસ્તાવેજ ચકાસણીના અંતે 13461 જેટલા વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેરીટ લિસ્ટ જાહેર થવાની સાથે જ વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ જાહેર થયેલા મેરીટમાં 5639 વિદ્યાર્થીઓ અને 7822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. પ્રવેશના સત્તાવાર નિયમો મુજબ સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો પર GUJCET આધારિત પ્રવેશ અપાશે, જ્યારે સરકારી 5 ટકા બેઠકો પર NEET કે JEE ના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. આ વર્ષે GUJCET આધારિત મેરીટમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થી મિલન ખુંધાર 99.95 મેરીટ માર્ક્સ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. વિદ્યાર્થીઓને આગામી 25 જૂન સુધી પોતાની પસંદગીની ચોઇસ ફિલિંગ કરવાની તક આપવામાં આવી છે અને ત્યારબાદ 27 જૂને ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.

ફાર્મસી કોર્સની આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 160 સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં બી.ફાર્મની 122 સંસ્થાઓમાં 10482 અને ડી.ફાર્મની 38 સંસ્થાઓમાં 2338 મળીને કુલ 12820 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ કુલ બેઠકોમાંથી 7558 સરકારી ક્વોટાની બેઠકો પર ACPC દ્વારા સીધો પ્રવેશ આપવામાં આવશે, જ્યારે 5262 મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે સ્વનિર્ભર સંસ્થાઓ પોતાની રીતે અલગથી કાર્યવાહી કરશે. નિયામક સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ કોલેજો અને કોર્સ માટે ચોઇસ ફિલિંગ કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે તેમજ પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ ગુપ્ત રાખવા જણાવાયું છે.

કેટેગરી મુજબ મેરીટમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓનો આંકડો આ વર્ષે ફાર્મસી કોર્સ માટે જાહેર થયેલા મેરીટ લિસ્ટમાં વિવિધ બોર્ડ અને કેટેગરીના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ મેરીટમાં જનરલ કેટેગરીના 4539, EWS ના 2686, SC ના 908, SEBC ના 4130 અને ST કેટેગરીના 1198 વિદ્યાર્થીઓ સામેલ થયા છે. જેમાં સૌથી વધુ ગુજરાત બોર્ડના 12049 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.