Loading Please Wait !!!
આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર સિંગરના પ્રેમલગ્નથી વિવાદ

  • સુરતમાં રિદ્ધિ રાજપરાના ડ્રમર સાથેના લવમેરેજ બાદ સમાજમાં ભારે રોષ
  • સમાજના આગેવાનો દ્વારા કલાકારોના સામાજિક અને વ્યવસાયિક બહિષ્કારનું આહવાન
  • દીકરીના અચાનક પગલાથી આઘાતમાં સરી પડેલો પરિવાર, આગેવાનોનો વિરોધ

સિટી ન્યુઝ @ સુરત

સુરત પાટીદાર સમાજમાં આરતી સાંગાણી બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ (ડ્રમર) જયેશ વાઘેલા સાથે ગત 20 મે 2026 ના રોજ ભાગીને પ્રેમલગ્ન કરી લીધા છે. આ ઘટના બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સમાજના અગ્રણી હિરેન ભેસાણીયાએ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને તમામ મંડળો અને આયોજકોને આહવાન કર્યું છે કે હવે પછી સમાજના કોઈપણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમના સ્ટેજ પર આ બંને કલાકારોને 'નો એન્ટ્રી' આપવામાં આવે અને તેમનો સંપૂર્ણ બહિષ્કાર થાય.

મૂળ ભાવનગરના મહુવાની અને સુરતમાં રહેતી રિદ્ધિના પિતા રત્નકલાકાર છે. 7 થી 8 વર્ષથી સિંગર તરીકેની કારકિર્દી બનાવવામાં પરિવારે તેને પૂરો સાથ આપ્યો હતો. જોકે, રિદ્ધિએ અચાનક ડ્રમર સાથે ભાગી જઈને સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને 'આરજે વાઘેલા' કરી નાખતા તેના માતા-પિતા અત્યંત આઘાતમાં છે. સમાજના અગ્રણીઓ દ્વારા આ દીકરીને પોતાની કારકિર્દી અને પરિવારની આબરૂ બચાવવા માટે ઘરે પરત ફરવા માટે સમજાવવામાં આવી હતી, પરંતુ યુગલ પોતાની જીદ પર અડગ રહ્યું હતું.

પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયાએ આ ઘટનાને અત્યંત નીંદનીય ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો દ્વારા સમાજની ઉભરતી સિંગર દીકરીઓને ખાસ સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. 16 થી 18 વર્ષની ઉંમરની દીકરીઓ જ્યારે કારકિર્દી બનાવતી હોય ત્યારે તેમને ભોળવીને ભગાડી જવાનું એક મોટું દૂષણ ઊભું થયું છે. આગેવાનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આવા ભાગેડુ લગ્નો અટકાવવા માટે કડકમાં કડક કાયદો બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય દીકરીઓને ટાર્ગેટ થતી બચાવી શકાય.

કલાકારોની લોકપ્રિયતા અને યુવા પેઢી પર પડતો નકારાત્મક પ્રભાવ આજના સમયમાં સોશિયલ મીડિયા અને સ્ટેજ પ્રોગ્રામ દ્વારા કલાકારોને જે લોકપ્રિયતા મળે છે તેની સીધી અસર યુવા પેઢી પર પડે છે. જ્યારે કોઈ જાણીતા કલાકાર આવા ભાગેડુ લગ્ન જેવા પગલાં ભરે છે, ત્યારે સમાજના અન્ય યુવાનોને પણ ખોટી દિશામાં દોરવા માટેનું તે દુષ્પ્રેરણ બની જાય છે. સ્વતંત્રતાના નામે ઉભી થતી આવી સ્વચ્છંદતા સમાજ માટે લાંબા ગાળે મોટું જોખમ છે.