Loading Please Wait !!!
યુદ્ધની વિનાશક જ્વાળાઓ: અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ વકર્યો

  • યુએસ સૈનિકના મોત બાદ ટ્રમ્પનો ઈરાન પર આકરો પ્રહાર, ચાબહાર અને તબરીઝ ધણધણી ઉઠ્યા
  • જોર્ડનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલાનો ઈરાનનો દાવો, ખાડી ક્ષેત્રમાં ભયનો માહોલ
  • ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચંડ પ્રહારની ચેતવણી બાદ ઈરાનના મહત્વના શહેરોમાં સૈન્ય કાર્યવાહી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે સીધા યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં એક અમેરિકી સૈનિકનું મોત અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ ઘટના સાથે છેલ્લા 5 મહિનાના સંઘર્ષમાં માર્યા ગયેલા યુએસ સૈનિકોની સંખ્યા 17 પર પહોંચી છે. આ ઘટનાથી ક્રોધિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આકરો પ્રહાર કરવાનો આદેશ આપતા યુએસ સેનાએ ઈરાનના વ્યૂહાત્મક શહેરો ચાબહાર અને તબરીઝ પર ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા છે.

ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનના અલ-અઝરાક વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકના 20 હેંગરોને મિસાઈલ હુમલા દ્વારા તબાહ કરી દીધા છે અને ડઝનબંધ સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે. ઈરાને અકાબા એરપોર્ટ પર ઉભેલા અમેરિકી વિમાનોને પણ નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સંઘર્ષની અસર હવે વૈશ્વિક વેપાર પર પણ પડી રહી છે, કારણ કે ઈરાને હોર્મુઝના સામુદ્રધુનીમાં બે ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.

બહરીન સ્થિત અમેરિકી દૂતાવાસે તાત્કાલિક સુરક્ષા એલર્ટ જાહેર કરીને પોતાના નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધની આગ ભભૂકી રહી છે અને આગામી કલાકોમાં આ સંઘર્ષ વધુ આક્રમક બનવાની શક્યતા છે. બંને દેશો એકબીજાની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવા માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વમાં શાંતિની તમામ આશાઓ ધૂંધળી થઈ રહી છે.