IPL ક્રિકેટર અભિષેક પોરેલ વિરુદ્ધ હાઈકોર્ટે આપ્યો ધરપકડનો આદેશ
- મેડિકલ વિદ્યાર્થીનીએ લગાવ્યા રેપ અને મારપીટના ગંભીર આરોપો
- લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ
- કલકત્તા હાઈકોર્ટના કડક આદેશથી ખળભળાટ
- સિટી ન્યુઝ @ કોલકાતા
દિલ્હી કેપિટલ્સના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન અને બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. મેડિકલ વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ પર નોંધાયેલા ગુનાહિત કેસમાં હાઈકોર્ટે અભિષેક પોરેલ અને અન્ય એક આરોપીની તુરંત ગિરફ્તાર કરવા આદેશ આપ્યો છે. 23 વર્ષીય પોરેલ પર રેપ, મારપીટ અને ગુનાહિત ધમકી આપવાના ગંભીર આરોપો લાગ્યા છે.
પીડિત મહિલા અને તેની માતાએ હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. મહિલાનો આરોપ છે કે પોરેલે તેની સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા, પરંતુ બાદમાં તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હાલ બેંગલુરુમાં રહેલા અભિષેક પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
ડાબોડી બેટ્સમેન અને વિકેટકીપર અભિષેક પોરેલ 2023 થી IPL માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે અને તે બંગાળ તરફથી પણ ઘણી મેચો રમી ચૂક્યો છે. હાઈકોર્ટના આ કડક આદેશ બાદ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે પોરેલે જણાવ્યું છે કે તે સારા પ્રદર્શનના કારણે તેને બદનામ કરવા માટે આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે.
- IPL ક્રિકેટર વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસ
દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલ સામે મેડિકલ વિદ્યાર્થીનીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને મારપીટ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસમાં કડક રૂખ અપનાવીને પોરેલ અને અન્ય એક આરોપીની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે ખેલાડીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.