Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન ટકરાવથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોહરામ: શેરબજાર, સોના-ચાંદી અને રૂપિયામાં મોટું ધોવાણ

  • સીઝફાયર વચ્ચે પણ બંને દેશો સામસામે આવી જતાં ક્રૂડ ઓઇલના ભડકાથી વૈશ્વિક બજારો ધ્રૂજ્યા
  • ભારતીય શેરબજાર ગેપડાઉન ઓપનિંગ બાદ રિકવરી તરફ, રોકાણકારોમાં ફફડાટ
  • લોકલ માર્કેટમાં સોનું ઘટીને ₹1,47,460 થયું, કિંમતી ધાતુઓમાં ઘટાડાનો દોર યથાવત

બિઝનેસ ડેસ્ક @ રાજકોટ: અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં ફરી એકવાર જોરદાર સૈન્ય હુમલા શરૂ થતાં આજે વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારે કોહરામ સર્જાયો હતો. મિડલ ઈસ્ટમાં ભડકેલી આ સૈન્ય હોળીના પગલે આજે શેરબજાર, સોના-ચાંદી તથા ભારતીય રૂપિયામાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું, જ્યારે બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવો ફરી એકવાર સળગી ઉઠ્યા છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજે સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં બજારની શરૂઆત ગેપડાઉન સાથે થઈ હતી, જોકે ત્યારબાદ નીચલા મથાળેથી રિકવરી શરૂ થઇ હતી. દિવસ દરમિયાન સેન્સેક્સમાં 400 પોઇન્ટની ભારે અફડાતફડી મચી હતી, જેમાં ઇન્ડેક્સ ઊંચામાં 73,918 અને નીચામાં 73,518 ની સપાટીએ અથડાયો હતો.

યુદ્ધના આ માહોલ વચ્ચે સોના-ચાંદીના બજારમાં કડાકાનો દોર વધુ આગળ ચાલ્યો હતો. વિશ્વ બજારમાં સોનું પ્રતિકૂળ સેન્ટિમેન્ટના કારણે 4,100 ડૉલરની મહત્વની સપાટીની નીચે સરકીને 4,082 ડૉલર પર આવી ગયું હતું. આ વૈશ્વિક મંદીના પગલે લોકલ માર્કેટમાં પણ સોનાના વાયદામાં 560 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 1,47,460 રૂપિયા બોલાયો હતો. આ જ પ્રકારે ચાંદીનો વાયદો પણ 780 રૂપિયા તૂટીને 2,34,720 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો, જેના કારણે કિંમતી ધાતુઓના રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

બીજી તરફ, કરન્સી માર્કેટ અને ક્રૂડ ઓઇલ સેક્ટરમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. ડૉલરની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો 36 પૈસા ગગડીને 95.63 ના અત્યંત નબળા સ્તરે પહોંચી ગયો હતો. પુરવઠો ખોરવાવાની આશંકાએ ક્રૂડ ઓઇલ માર્કેટમાં તેજીનો ભડકો થયો છે, જેમાં ડબલ્યૂટીઆઇ (WTI) ક્રૂડ વધીને 91.04 ડૉલર પ્રતિ બેરલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ગણાતું બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) વધીને 94.07 ડૉલર પર પહોંચી ગયું છે. ક્રૂડ તેલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં આયાત ખર્ચ વધશે અને મોંઘવારી બેકાબૂ બનશે તેવી દહેશત વેપારી આલમમાં સેવાઈ રહી છે.

મોંઘા ક્રૂડ અને નબળા રૂપિયાથી અર્થતંત્ર પર બેવડો માર અમેરિકા-ઈરાન વચ્ચેનો ગજગ્રાહ જો લાંબો સમય ચાલશે તો ભારત જેવા આયાતકાર દેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. એકતરફ રૂપિયો 95.63 ની ઐતિહાસિક નીચી સપાટી તરફ ધકેલાયો છે અને બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ $94 ને પાર થઈ ગયું છે. આ બેવડી મારના કારણે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થવાની અને તેને લીધે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની પૂરેપૂરી શક્યતા છે.