Loading Please Wait !!!
મૃતક યુવકનો પગ મળ્યો, અંતિમ ક્ષણોના CCTV પણ સામે આવ્યા

=> કોવાયા સિંહ હુમલા કેસમાં નવો વળાંક

સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર પ્રાંતીય યુવકના કેસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. ઘટનાના પાંચમા દિવસે મૃતકના અંતિમ સમયના બે CCTV ફૂટેજ મળ્યા છે, જ્યારે અગાઉ ગાયબ રહેલો એક પગ પણ મળી આવતા વન વિભાગ અને પોલીસની તપાસને નવી દિશા મળી છે.

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના રહેવાસી પ્રકાશચંદ્ર પર ગત ૧૬ જૂનની રાત્રે સિંહે હુમલો કર્યો હતો. ઘટનાસ્થળેથી વન વિભાગને માત્ર તેનું માથું જ મળ્યું હતું, જ્યારે શરીરના અન્ય અંગો મળી આવ્યા ન હતા. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તાજેતરમાં સામે આવેલા CCTV ફૂટેજમાં પ્રકાશચંદ્ર પોતાના ખભા પર બેગ લઈને વતન જવા નીકળતો જોવા મળે છે. અન્ય ફૂટેજમાં તે એક પાનના ગલ્લા પાસે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતો નજરે પડે છે. ત્યારબાદ તે આગળ વધ્યો હતો અને માર્ગમાં સિંહના હુમલાનો ભોગ બન્યો હોવાનું માનવામાં આવે છે.

આ દરમિયાન એક ખાનગી કંપનીના CCTVમાં રખડતું શ્વાન માનવ પગ મોંમાં લઈને જતું જોવા મળતાં વન વિભાગ અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલા પગને કબજે લઈ ઓળખ અને ફોરેન્સિક તપાસ માટે હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે મૃતકના અન્ય અંગોની શોધખોળ અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે.