ગ્રોસરી એપ્સની મનમાની: 48 ટકા પ્લેટફોર્મ પર એક્સપાયરી ડેટ ગાયબ
- ગ્રાહકોને પધરાવાય છે એક્સપાયરી નજીક આવેલો સામાન, સર્વેમાં મોટો ખુલાસો
- લોકલ સર્કલના સર્વેમાં ભાંડો ફૂટ્યો, 17133 લોકોમાંથી મોટાભાગના ગ્રાહકો છેતરાયા
- ઇ-કોમર્સ કંપનીઓ માટે તારીખ બતાવવી ફરજિયાત છતાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં ઓનલાઇન ગ્રોસરી સામાન ખરીદવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની સાથે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પણ ચિંતાજનક સ્તરે પહોંચી છે. હાલમાં જ થયેલા એક સર્વે મુજબ, દેશમાં ઓનલાઇન સામાન ખરીદનારા આશરે 48 ટકા ગ્રાહકોનું સ્પષ્ટ કહેવું છે કે મોટાભાગનાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સામાનની 'બેસ્ટ બિફોર ડેટ' એટલે કે વાપરવાની છેલ્લી તારીખ દર્શાવવામાં આવતી જ નથી. નિયમો અનુસાર દરેક ઓનલાઇન પ્લેટફોર્મ માટે આ તારીખ સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત હોવા છતાં, કંપનીઓ ખુલ્લેઆમ આ કડક નિયમોનો ભંગ કરી રહી છે અને ગ્રાહકોને અંધારામાં રાખી રહી છે.
લોકલ સર્કલ દ્વારા 17133 ગ્રાહકોને આવરી લઈને કરવામાં આવેલા આ સર્વેમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દેશના 8 અગ્રણી ગ્રોસરી પ્લેટફોર્મ્સમાંથી 5 હજુ પણ નિયમોનું યોગ્ય પાલન નથી કરી રહ્યાં. ગ્રાહકોએ રોષપૂર્વક સેંકડો ફરિયાદો નોંધાવી છે કે તેમને બિલકુલ એક્સપાયરી તારીખની નજીક પહોંચી ગયેલો જૂનો સામાન ડિલિવર કરવામાં આવે છે. આંકડાકીય માહિતી મુજબ, 35 ટકા લોકોને કોઈ પણ એપ પર તારીખ દેખાઈ જ નથી, જ્યારે માત્ર 13 ટકા ગ્રાહકોને બધી એપ્સ પર યોગ્ય માહિતી જોવા મળી હતી અને 13 ટકા લોકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
જોકે, અગાઉના વર્ષની સરખામણીમાં આ પરિસ્થિતિમાં અત્યંત મામૂલી સુધારો નોંધાયો છે. વર્ષ 2024 માં 57 ટકા પ્લેટફોર્મ્સ નિયમોનું પાલન નહોતાં કરી રહ્યાં, જેનો આંકડો હવે ઘટીને 48 ટકા સુધી પહોંચ્યો છે. અન્ય આંકડાઓ જોઈએ તો 21 ટકા ગ્રાહકોને કેટલીક જ એપ્સ પર તારીખ દેખાય છે, જ્યારે 5 ટકાને મોટાભાગની એપ્સ પર અને 13 ટકાને ખૂબ જ ઓછી એપ્સ પર આ માહિતી જોવા મળી હતી. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો આ ગંભીર મુદ્દો હોવાથી સરકાર દ્વારા આ બેજવાબદાર પ્લેટફોર્મ્સ સામે કડક પગલાં લેવાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.
ડિજિટલ શોપિંગમાં ગ્રાહક જાગૃતિનો અભાવ
આધુનિક સમયમાં લોકો સમય બચાવવા માટે ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા છે, પરંતુ આ સુવિધા હવે જોખમી સાબિત થઈ રહી છે. ગ્રાહકોએ સામાન લેતા પહેલાં અને ડિલિવરી સમયે પેકિંગ પર પ્રોડક્ટની વિગતો ખાસ ચકાસવી જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ પર કંપનીઓ ગ્રાહકોની બેદરકારીનો સીધો લાભ લઈને પોતાનો જૂનો અને એક્સપાયરી વાળો સ્ટોક કાઢે છે, તેથી ઓનલાઇન ખરીદીમાં સતર્કતા જ ગ્રાહકનું સૌથી મોટું હથિયાર છે.