Loading Please Wait !!!
સેબીનો મોટો નિર્ણય: ઓપન માર્કેટથી શેર બાયબેકને ફરીથી મળી મંજૂરી

  • 1 ઓગસ્ટથી નવો નિયમ લાગુ, રૂટના દુરૂપયોગને રોકવા પ્રમોટર્સ પર કડક પ્રતિબંધો
  • કંપનીઓએ 60 દિવસમાં પ્રક્રિયા પૂરી કરવી પડશે, 40 ટકા ફંડનો ઉપયોગ ફરજિયાત
  • ટેક્સ નિયમોના ફેરફાર બાદ બાયબેક માટે અલગ ટ્રેડિંગ વિન્ડોની સિસ્ટમ નાબૂદ કરાઈ

સિટી ન્યુઝ @ મુંબઈ

મૂડી બજારના નિયામક તંત્ર સેબી (SEBI) દ્વારા શેરબજાર અને રોકાણકારોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીએ ઓપન માર્કેટમાંથી શેરોના બાયબેકને ફરીથી દાખલ કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ બોર્ડ મીટિંગ બાદ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ નવો નિયમ આગામી 1 ઓગસ્ટથી અમલમાં આવશે. અગાઉ સમાન ભાગીદારીના અભાવ અને બિનકાર્યક્ષમતાને કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે કંપનીઓને સીધા સેકન્ડરી માર્કેટમાંથી શેર ખરીદવાની સુગમતા મળશે.

નવા નિયમો મુજબ ઓપન માર્કેટ બાયબેકનો સમયગાળો વધુમાં વધુ 60 દિવસનો રહેશે અને કંપનીઓએ ઓછામાં ઓછા 40 ટકા ફંડનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. સેબીએ ખાતરી કરી છે કે આ રૂટનો કોઈપણ પ્રકારે દુરૂપયોગ ન થાય. આ માટે બાયબેક પ્રક્રિયા દરમિયાન કંપનીના પ્રમોટર અને પ્રમોટર ગ્રુપનું હોલ્ડિંગ ISIN સ્તરે ફ્રીઝ કરી દેવામાં આવશે, જેથી તેઓ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ ન કરી શકે. આ ઉપરાંત, કંપનીઓએ જાહેર જાહેરાતના 1 જ કાર્યકારી દિવસમાં તમામ શેરધારકોને ઈલેક્ટ્રોનિક માધ્યમથી મેસેજ મોકલીને સત્તાવાર જાણ કરવી પડશે.

કરવેરા માળખામાં થયેલા ફેરફારોને પગલે સેબીએ અલગ ટ્રેડિંગ વિન્ડોની જરૂરિયાતને નાબૂદ કરી છે. હવે તમામ બાયબેક વ્યવહારો નિયમિત ટ્રેડિંગ મેકેનિઝમ દ્વારા જ કરવામાં આવશે. આ ઉપરાંત, સેબીએ સ્ટોક બ્રોકર્સને મોટી રાહત આપતા લિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરીનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આનાથી બ્રોકર્સ બેંકો પર નિર્ભર રહ્યા વિના માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) માટે પોતાની પ્રવાહિતા વધારી શકશે અને બજારમાં નાણાકીય ક્ષમતાનો વિસ્તાર થશે.

રોકાણકારોના વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો ઓપન માર્કેટ બાયબેકનો રૂટ ફરીથી શરૂ થવાથી કંપનીઓ પોતાની સરપ્લસ કેશનો યોગ્ય ઉપયોગ કરીને શેર દીઠ કમાણી સુધારી શકશે. અગાઉ આ પદ્ધતિની ભારે ટીકા થતી હતી, પરંતુ હવે સમયમર્યાદા અને 40 ટકા ફંડના ફરજિયાત ઉપયોગ જેવા કડક નિયમો લાગુ થવાથી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. આનાથી બજારમાં ખોટી વધઘટ અટકશે અને નાના રોકાણકારોનો કંપનીના ભવિષ્ય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે.