Loading Please Wait !!!
રાજકોટમાં સોમનાથ બેકરી અને ધ્વીતી એન્ટરપ્રાઈઝ સીલ કરાયા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી સામે હાથ ધરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જામનગર રોડ પર આવેલી બે ફૂડ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે યોગી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે આવેલી “સોમનાથ બેકરી”માં તપાસ કરતાં અનહાઇજેનિક સ્થિતિમાં ઉત્પાદન અને સ્ટોરેજ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી ખુલ્લામાં રાખવામાં આવેલા બ્રેડ, બર્ગર, પીઝા બેઈઝ સહિત અંદાજે ૧૬૦ કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. બેકરીને તાત્કાલિક સીલ કરી રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત હાઇજેનિક સ્થિતિ અને લાયસન્સ સંબંધિત નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત યોગી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી “ધ્વીતી એન્ટરપ્રાઈઝ”માં તપાસ દરમિયાન ડેમેજ, રિટર્ન અને એક્સપાયરી થયેલા જથ્થાનું યોગ્ય આઇસોલેશન તથા લેબલિંગ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. આથી પેઢીને પણ સીલ કરવામાં આવી હતી. યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા જાળવવા નોટિસ આપવાની સાથે રૂ.૫,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું હતું કે શહેરમાં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.