યુપી ચૂંટણી સર્વેથી ભાજપની ચિંતા વધી: 'ઇન્ડિયા' ગઠબંધનને 41 બેઠકો સાથે બહુમતીનું અનુમાન
-
જાન્યુઆરીના 44 ના અનુમાન સામે ભાજપ ઘટીને 34 પર પહોંચ્યું, સહયોગીઓને 4 બેઠકોની ધારણા
-
સપા અને કોંગ્રેસના ગઠબંધનને કુલ 41 બેઠકો મળવાનો અંદાજ, વિપક્ષી છાવણીમાં ઉત્સાહ
-
6 મહિનાના ગાળામાં કોંગ્રેસ 2 થી વધીને સીધી 11 બેઠકો પર પહોંચી હોવાનો સરવેમાં દાવો
સિટી ન્યુઝ @ લખનઉ
ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચી ગયો છે. છેલ્લા 9.5 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી રાજકીય ટક્કર ચાલી રહી છે. આ દરમિયાન જનતાનો મૂડ જાણવા માટે એક ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા તાજા સર્વેના આંકડાઓએ સત્તાધારી ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચિંતામાં મોટો વધારો કર્યો છે, જ્યારે વિપક્ષી સપા અને કોંગ્રેસ ગઠબંધનમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કુલ 80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં જો આજે ચૂંટણી યોજાય તો ભાજપને 34 બેઠકો મળવાનું અનુમાન દર્શાવાયું છે. જોકે આ આંકડો ગત ચૂંટણીની 33 બેઠકો કરતાં એક બેઠક વધુ છે, પરંતુ જાન્યુઆરી 2026 ના સર્વેની સરખામણીએ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જાન્યુઆરીમાં ભાજપને 44 બેઠકો મળવાની ધારણા હતી, જેની સામે માત્ર 6 મહિનામાં 10 બેઠકોનું સીધું નુકસાન નોંધાયું છે. ભાજપના સહયોગી દળોને 4 બેઠકો મળવા છતાં એનડીએ બહુમતીના આંકડાથી પાછળ રહી જાય છે.
બીજી તરફ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના 'ઇન્ડિયા' ગઠબંધન માટે આ સર્વે અત્યંત મજબૂત વાપસીના સંકેત આપી રહ્યો છે. નવા આંકડા મુજબ આ ગઠબંધન 41 બેઠકો સાથે સ્પષ્ટ લીડ મેળવતું દેખાઈ રહ્યું છે. જેમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 30 અને કોંગ્રેસને 11 બેઠકો મળવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના સર્વેમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર હતી, જે 6 મહિનામાં વધીને 11 પર પહોંચી ગઈ છે.
રાજકીય પંડિતોના મતે, ઉત્તર પ્રદેશ એ દેશની સત્તાનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. ગત ચૂંટણીમાં પણ વિપક્ષી એકતાએ ભાજપના એકચક્રી શાસનને જોરદાર ટક્કર આપી હતી. હવે ફરી એકવાર વિપક્ષી ગઠબંધન NDA કરતાં આગળ નીકળતું જણાતાં ભાજપ માટે પોતાની રણનીતિનું પુનઃમૂલ્યાંકન કરવું અનિવાર્ય બની ગયું છે.
યુપી સર્વે: ભાજપ સામે 'ઇન્ડિયા' આગળ
તાજા સરવે અનુસાર યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 'ઇન્ડિયા' ગઠબંધનને 41 (સપા 30, કોંગ્રેસ 11) અને ભાજપને 34 બેઠકો મળવાનું અનુમાન છે. જાન્યુઆરીની સરખામણીએ ભાજપને 10 બેઠકોનું નુકસાન થતાં સીએમ યોગી સામે મોટો પડકાર ઊભો થયો છે, જ્યારે કોંગ્રેસ 2 થી વધીને 11 બેઠકો પર પહોંચી છે.