કંગના રણૌત જૂની રક્ષાબંધન જાહેરાતને લઈ ટ્રોલ: બોલ્ડ લુક વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ઘેરાઈ
-
કૃતિ સેનનની રક્ષાબંધન જાહેરાત પર કંગનાએ બ્રાલેટ બ્લાઉઝને લઈ સવાલ ઉઠાવ્યા હતા
-
વિરોધ બાદ બ્રાન્ડે એડ હટાવી, બીજી તરફ રાહુલ ગાંધીએ કર્યો હતો કૃતિનો સપોર્ટ
-
નક્ષત્ર જ્વેલરી માટે કંગનાએ ભૂતકાળમાં કરેલી રક્ષાબંધન એડનું પોસ્ટર ઇન્ટરનેટ પર વાયરલ
સિટી ન્યુઝ @ મુંબઈ
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌત ફરી એકવાર પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા વિવાદને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. તાજેતરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે એક અગ્રણી જ્વેલરી બ્રાન્ડની વિજ્ઞાપનમાં અભિનેત્રી કૃતિ સેનન દ્વારા પહેરવામાં આવેલા બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને રિવિલિંગ લુક પર કંગનાએ આકરા સવાલો ઉઠાવ્યા હતા. કંગનાના વાંધા બાદ વિવાદ વકરતાં સંબંધિત બ્રાન્ડે પોતાની તે જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિ સેનનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.
જોકે, આ વિવાદ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કંગના રણૌતના જ ભૂતકાળના ફોટોશૂટ અને જાહેરાતો શોધી કાઢીને તેને ઘેરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કંગનાએ 'નક્ષત્ર' જ્વેલરી બ્રાન્ડ માટે ભૂતકાળમાં કરેલી એક રક્ષાબંધન જાહેરાતનું પોસ્ટર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં કંગના ખુદ વન-ઓફ-શોલ્ડર, સ્ટ્રેપલેસ અને ડીપ નેકલાઇન ધરાવતા આઉટફિટમાં રક્ષાબંધનની થીમ સાથે જોવા મળી રહી છે. નેટિઝન્સ હવે કંગનાના આ જૂના લુકની સરખામણી તેના કૃતિ પર કરેલા તાજેતરના નિવેદન સાથે કરીને બેવડા માપદંડનો આરોપ લગાવી રહ્યા છે.
આ મામલે વરિષ્ઠ અભિનેત્રી કુનિકા સદાનંદે પણ કંગના રણૌત પર જોરદાર કટાક્ષ કર્યો છે. કુનિકાએ કંગનાનું એ જૂનું વાયરલ પોસ્ટર શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "મેરા કુત્તા… કુત્તા, તેરા કુત્તા ટૉમી??" કુનિકાની આ પોસ્ટ વાયરલ થતાં લોકો કંગનાને ટ્રોલ કરી રહ્યા છે.
પોતાના જ જૂના લુક અને બોલ્ડ વિજ્ઞાપન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વિવાદ અંગે કંગના રણૌત તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સામે આવી નથી.
કંગના રણૌત જૂની એડને લઈ ઘેરાઈ
કૃતિ સેનનની રક્ષાબંધન જાહેરાતના કપડાં પર સવાલ ઉઠાવનાર ભાજપ સાંસદ કંગના રણૌત ખુદ જૂના ફોટોને કારણે વિવાદમાં ઘેરાઈ છે. 'નક્ષત્ર' બ્રાન્ડની રાખડી એડમાં કંગનાનો સ્ટ્રેપલેસ બોલ્ડ લુક વાયરલ થતાં અભિનેત્રી કુનિકા સદાનંદે 'મેરા કુત્તા કુત્તા...' કહી કટાક્ષ કર્યો છે. આ વિવાદ પર કંગના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.