Loading Please Wait !!!
લોકસભા સર્વેમાં મોટો ખુલાસો: NDA ને 326 બેઠકો સાથે બહુમતી, 6 મહિનામાં 26 સીટોનું નુકસાન

 

  • જાન્યુઆરી 2026 ના 352 ના અનુમાન સામે NDA ગઠબંધનની બેઠકો ઘટીને 326 થઈ

  • ભાજપ એકલા હાથે 261 બેઠકો મેળવી શકે છે, જે 2024 ની 240 કરતાં વધુ પણ અગાઉના સર્વેથી ઓછી

  • પેપર લીક વિવાદ અને જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલન બાદ યુવા વર્ગમાં જોવા મળ્યો રોષ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશમાં જો આજે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું એનડીએ (NDA) ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે ફરીથી સત્તા પર વાપસી કરી શકે છે. એક ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલ અનુસાર, એનડીએને કુલ 326 બેઠકો મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જોકે, જાન્યુઆરી 2026 ના સરવેમાં એનડીએને 352 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી, જેની સરખામણીએ છેલ્લા 6 મહિનામાં ગઠબંધનને 26 બેઠકોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આમ છતાં એનડીએ બહુમતીના 272 ના આંકડાથી ઘણું આગળ છે.

પાર્ટીવાર બેઠકોની સ્થિતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 261 બેઠકો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરી 2026 ના 287 ના અંદાજ કરતાં 26 બેઠકો ઓછી છે. જોકે, વર્ષ 2024 ની ચૂંટણીમાં મળેલી 240 બેઠકોની સરખામણીએ આ દેખાવ સારો માનવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ માટે આ સર્વે ઉત્સાહજનક રહ્યો છે. કોંગ્રેસની બેઠકો અગાઉના 80 ના અંદાજથી વધીને 106 પર પહોંચતી જણાય છે, એટલે કે કોંગ્રેસને સીધો 26 બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપના સમર્થનમાં આવેલા આ ઘટાડા પાછળ યુવા મતદારો અને Gen Z પેઢીમાં પેપર લીક તેમજ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે વધેલી નારાજગી મુખ્ય પરિબળ છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં નવી દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનોની સીધી અસર જનમાનસ પર પડી હોવાનું જણાય છે.

વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનની વાત કરીએ તો તેમને કુલ 185 બેઠકો મળવાનું અનુમાન છે. વોટ શેરના ગણિતમાં એનડીએનો હિસ્સો 47% થી ઘટીને 45.1% થયો છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 39.1% વોટ મળવાની શક્યતા છે. યુવા આંદોલન અને સામાજિક મુદ્દાઓને લઈને વિપક્ષે બનાવેલી આક્રમક રણનીતિને કારણે કોંગ્રેસના પ્રદર્શનમાં આ સુધારો જોવા મળ્યો છે.

લોકસભા ચૂંટણી સર્વે: NDA ને 326 બેઠકો

તાજા સરવે મુજબ આજે ચૂંટણી થાય તો NDA 326 બેઠકો સાથે સત્તામાં પાછી ફરશે, જોકે 6 મહિનામાં તેને 26 બેઠકોનું નુકસાન થયું છે. પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનની નારાજગી વચ્ચે ભાજપને 261 અને કોંગ્રેસને 106 બેઠકો મળવાનું અનુમાન છે. ઇન્ડિયા ગઠબંધનને 185 બેઠકો અને 39.1% વોટશેર મળી શકે છે.