કોરોના વુહાન લેબમાંથી જ લીક થયો હતો, અમેરિકાના પૂર્વ સલાહકારનો ભાંડો ફૂટ્યો
- તુલસી ગબાર્ડના વિસ્ફોટક આરોપ: એન્થની ફૌસીએ ચીનની લેબને ફંડિંગ આપ્યું હતું
- અમેરિકન પ્રજાના પૈસે ચીનની વુહાન લેબમાં ખતરનાક રિસર્ચ માટે લાખો ડોલર અપાયા
- વાઇરસ લેબમાંથી લીક થયાની થિયરી દબાવવા ફૌસીએ જાસૂસી એજન્સીઓને ગેરમાર્ગે દોરી
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકાના ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થઈ રહેલા તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે એક અત્યંત સનસનીખેજ ખુલાસો કરીને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કેટલાક એવા ખાનગી દસ્તાવેજો જાહેર કર્યા છે જે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થની ફૌસીને સીધા આરોપીના પાંજરામાં ઊભા કરી દે છે. ગબાર્ડનો સનસનીખેજ આરોપ છે કે ડો. ફૌસીએ અમેરિકન કરદાતાઓના લાખો ડોલર ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને ફંડિંગ તરીકે આપ્યા હતા અને કોરોના વાઇરસ લેબમાંથી લીક થયાની થિયરીને દબાવવા માટે CIA અને FBI જેવી જાસૂસી સંસ્થાઓને ગેરમાર્ગે દોરી હતી.
તુલસી ગબાર્ડે દસ્તાવેજોને ટાંકીને દાવો કર્યો છે કે ડો. ફૌસીએ NIAID ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ચીનને જે ભંડોળ આપ્યું તેનો ઉપયોગ ચામાચીડિયાના કોરોના વાઇરસ પરના અત્યંત ખતરનાક 'ગેઇન ઓફ ફંક્શન' રિસર્ચ માટે કરવામાં આવ્યો હતો. વાઇરસ લીક થયા બાદ ફૌસીએ પડદા પાછળ રહીને પોતાની પસંદગીના જ વૈજ્ઞાનિકો પાસે એવો રિપોર્ટ તૈયાર કરાવ્યો કે કોરોના પ્રાકૃતિક રીતે ફેલાયો છે. જે નિષ્ણાતોએ આ ખોટી થિયરીનો વિરોધ કર્યો, તેમને સાઇડલાઇન કરી નોકરીમાંથી કાઢી મૂકવાની અને કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાવતરામાં ડો. ફૌસીએ અમેરિકન સંસદ અને તત્કાલીન પ્રમુખને પણ અંધારામાં રાખ્યા હતા. જૂન 2024માં સંસદની સુનાવણી દરમિયાન ફૌસીએ કસમ ખાઈને જૂઠું બોલ્યું હતું કે તેમણે વાઇરસના રિસર્ચ અંગે એજન્સીઓ સાથે કોઈ વાત કરી નથી. ગબાર્ડે સ્પષ્ટ જણાવ્યું છે કે સત્ય છુપાવવા અપનાવાયેલી આ પદ્ધતિઓ ડીપ સ્ટેટના કાવતરા સમાન છે અને હવે અમેરિકન પ્રજા આ અંગે પારદર્શકતા તથા જવાબદેહિતાનો હક્ક માંગે છે. જોકે, આ વિસ્ફોટક આરોપો સામે ડો. ફૌસી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
જૈવિક યુદ્ધના ખતરા અને આંતરરાષ્ટ્રીય તપાસની માંગ
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી નાખ્યું હતું. જો આ વાઇરસ ખરેખર લેબમાંથી માનવીય ભૂલ કે ષડયંત્રના ભાગરૂપે લીક થયો હોય, તો તે જૈવિક હથિયારના ઉપયોગ સમાન ગણી શકાય. તુલસી ગબાર્ડના આ ખુલાસા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દેશ કે વ્યક્તિ આ પ્રકારના ખતરનાક પ્રયોગો કરીને લાખો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાની હિંમત ન કરી શકે.