Loading Please Wait !!!
અમેરિકામાં ભારતીય મૂળના 19 વર્ષીય યુવકે સર્જ્યો લોહિયાળ હત્યાકાંડ

  • ટેક્સાસમાં સગા દીકરાએ માતા પિતા અને દાદીના માથામાં ગોળીઓ ધરબી
  • અમેરિકામાં પંજાબના પરિવારની ઘાતકી હત્યા, ભાઈનો આબાદ બચાવ થયો
  • પોલીસે 19 વર્ષીય યુવકને ઝડપી કેપિટલ મર્ડરનો ગુનો નોંધ્યો

સિટી ન્યુઝ @ ટેક્સાસ

અમેરિકાના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાંથી એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં વસતા એક ભારતીય મૂળના પંજાબી પરિવારના 3 સભ્યોની અત્યંત ઘાતકી રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર હત્યાકાંડ અન્ય કોઈએ નહીં પરંતુ પરિવારના જ 19 વર્ષના સગા દીકરા ગૌરવ ચોપરાએ સર્જ્યો છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને પ્રાથમિક તપાસમાં માથામાં ગોળી વાગવાથી ત્રણેયના મોત નિપજ્યા હોવાનું ખૂલ્યું છે. આરોપી મૂળ પંજાબના નવાંશહરના લખપુર ગામ સાથે સંબંધ ધરાવે છે.

હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસે આપેલી માહિતી અનુસાર, મૃતકોમાં 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌરનો સમાવેશ થાય છે. આરોપી ગૌરવે પોતાના માતા, પિતા અને દાદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ પોતાના સગા ભાઈ પર પણ ગોળી ચલાવી હતી. સદનસીબે તેનો ભાઈ આ હુમલામાં આબાદ બચી ગયો હતો અને તેણે તુરંત 911 ઈમરજન્સી નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી દીધી હતી. હુમલો કર્યા બાદ ગૌરવ ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.

પોલીસ જ્યારે આરોપી ગૌરવનો પીછો કરી રહી હતી ત્યારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અન્ય 2 લોકો પણ ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી પોલીસે એક હેન્ડગન રિકવર કરી છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીમાં અભ્યાસ કરતા ગૌરવ સામે કોર્ટમાં કેપિટલ મર્ડરનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેને કોઈ પણ પ્રકારના જામીન આપવામાં આવ્યા નથી અને આ ભયાનક હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

વિદેશમાં યુવા માનસિકતા પર ઉઠતા ગંભીર સવાલો આધુનિક સમયમાં વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોમાં પણ હિંસક ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. માત્ર 19 વર્ષની નાની ઉંમરે પોતાના જ સગાંવહાલાં પર પિસ્તોલ તાણવી તે આજના યુવાનોની કથળતી જતી માનસિક સ્થિતિ દર્શાવે છે. આ ઘટના સમાજ માટે મોટી ચેતવણી છે કે ડિજિટલ યુગમાં શિક્ષણની સાથે પારિવારિક સંબંધોની સાચવણી અને કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી બની ગયા છે.