ઈરાનમાં ગાયિકાને હિજાબ વગર ઓનલાઈન કોન્સર્ટ કરવા બદલ આકરી સજા
- યુટ્યુબ પર સ્લીવલેસ ડ્રેસમાં દેશભક્તિ ગીત ગાવા બદલ 74 કોરડાની સજા ફટકારાઈ
- ડિસેમ્બર 2024 માં યુટ્યુબ પર વાયરલ થયેલા લાઈવ પર્ફોર્મન્સનું આવ્યું આકરું પરિણામ
- માનવ અધિકાર સંગઠનોએ ગાયિકા પરસ્તૂ અહમદીને મળેલી ક્રૂર સજાની આકરી નિંદા કરી
સિટી ન્યુઝ @ તહેરાન
ઈરાનની કટ્ટરપંથી સરકાર અને અદાલતો દ્વારા મહિલાઓ પર અત્યાચારનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. ઈરાનના કોમ પ્રાંતની એક અદાલતે જાણીતી ગાયિકા પરસ્તૂ અહમદીને એક અત્યંત ક્રૂર અને અમાનવીય સજા ફટકારી છે. હિજાબ ન પહેરવા અને ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન સ્લીવલેસ ડ્રેસ પહેરવાના આરોપસર કોર્ટે આ ગાયિકાને 74 કોરડા મારવાનો આદેશ આપ્યો છે. આ ક્રૂર સજાના સમાચાર સામે આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર ઘટના ડિસેમ્બર 2024 ની છે, જ્યારે પરસ્તૂ અહમદી અને તેની પ્રોડક્શન ટીમના 8 સભ્યોએ યુટ્યુબ પર એક લાઈવ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેણે ઈરાનનું પ્રખ્યાત દેશભક્તિ ગીત 'અજ ખૂને જવાનાને વતન' ગાયું હતું. પર્ફોર્મન્સ દરમિયાન તેણે ફરજિયાત હિજાબનો ત્યાગ કરીને સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ગણતરીના દિવસોમાં જ વાયરલ થઈ ગયો હતો અને લાખો લોકોએ તેને નિહાળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ઈરાની પોલીસે પરસ્તૂ અને તેની ટીમના કેટલાક લોકોની ધરપકડ કરી હતી, જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોર્ટે આ આકરી સજા સંભળાવી છે.
આ ઘટના બાદ દુનિયાભરના માનવ અધિકાર સંગઠનોએ ઈરાન સરકારની આકરી ઝાટકણી કાઢી છે. માનવ અધિકાર કાર્યકર્તાઓનું સ્પષ્ટ કહેવું છે કે પરસ્તૂ અહમદીને આપવામાં આવેલી આ સજા સાબિત કરે છે કે ઈરાનમાં મહિલાઓની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. અમેરિકા સ્થિત 'સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ ઈન ઈરાન' ના ડાયરેક્ટર બહાર ગંદેહારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગાયિકાને 74 કોરડા મારવાની સજા એ વાતનો પુરાવો છે કે ઈરાનમાં આજે પણ માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે અને પરિસ્થિતિ બિલકુલ બદલાઈ નથી.
કટ્ટરપંથી કાયદાઓ અને મહિલા સ્વાતંત્ર્ય પર તરાપ
ઈરાનમાં વર્ષોથી મહિલાઓના પહેરવેશ અને અભિવ્યક્તિ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હિજાબના વિરોધમાં અનેક આંદોલનો થયા હોવા છતાં, શાસકો દ્વારા કલાકારો અને સામાન્ય મહિલાઓ પર અત્યાચાર ગુજારવાની નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. કલાના માધ્યમથી વિરોધ નોંધાવનારા અવાજોને કઠોર સજાઓ આપીને દબાવી દેવાનો પ્રયાસ દેશની રૂઢિચુસ્ત વિચારધારા અને સ્વતંત્રતાના અભાવને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.