પરફ્યુમ લેયરિંગથી તમારી પર્સનાલિટીને આપો એકદમ નવી અને આકર્ષક ઓળખ
- એક જ પરફ્યુમ વાપરવાને બદલે અલગ-અલગ સુગંધ મિક્સ કરવાનો નવો ટ્રેન્ડ
- બૉડી લોશન અને મિસ્ટ સાથે પરફ્યુમ મિક્સ કરી મેળવો લોંગ-લાસ્ટિંગ મહેક
- ફ્રેગ્રન્સ લેયરિંગ દ્વારા તમે પણ તમારી પર્સનાલિટીને આપી શકો છો નવો નિખાર
સિટી ન્યુઝ @ મુંબઈ
ફેશન અને એક્સેસરીઝની જેમ જ હવે પરફ્યુમમાં પણ 1 યુનિક ટ્રેન્ડ આવ્યો છે. સુગંધ ફક્ત સારી મહેક પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વ્યક્તિની ઓળખ, મૂડ અને પર્સનાલિટીનો પણ મહત્વનો ભાગ બની ગઈ છે. લોકો હવે 1 જ પરફ્યુમ પર નિર્ભર રહેવાને બદલે પોતાની 1 અલગ સિગ્નેચર સુગંધ બનાવવા માટે 'ફ્રેગ્રન્સ લેયરિંગ'નો ઉપયોગ કરી રહ્યા છે. ફ્રેગ્રન્સ લેયરિંગ એટલે 1 કરતાં વધુ સુગંધિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પોતાના માટે 1 અલગ અને યુનિક સુગંધ તૈયાર કરવી, જેમાં બૉડી લોશન, બૉડી મિસ્ટ અને પરફ્યુમનો સમાવેશ થઈ શકે છે.
લેયરિંગની શરૂઆત હંમેશા સ્નાન કર્યા પછી સ્કિન પર સારું મોઇશ્ચરાઇઝર લગાવીને કરવી જોઈએ, કારણ કે હાઇડ્રેટેડ સ્કિન સુગંધને લાંબા સમય સુધી જાળવી રાખે છે. બધી સુગંધ એકબીજા સાથે ભળતી ન હોવાથી ફ્રેગ્રન્સ ફેમિલી સમજવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, ફૂલોની સુગંધ સાથે ફળોની હળવી સુગંધ અથવા વુડી ફ્રેગ્રન્સ સાથે વેનિલાનું કોમ્બિનેશન ઉત્તમ રહે છે. લેયરિંગમાં હંમેશા હળવી સુગંધ પહેલા લગાવો અને તેના પર ધીમેથી સ્ટ્રોંગ સુગંધનો ઉપયોગ કરો. પરફ્યુમને કાંડા, ગરદન અને કાનની પાછળ જેવા પલ્સ પોઇન્ટ્સ પર લગાવવું જોઈએ જેથી બોડી હીટને કારણે સુગંધ ધીમે-ધીમે રિલીઝ થાય.
પરફ્યુમ લગાવવામાં કેટલીક સામાન્ય ભૂલો ટાળવી ખૂબ જ જરૂરી છે. એકસાથે ખૂબ બધી તીવ્ર સુગંધો ભેગી ન કરવી જોઈએ, શરૂઆતમાં માત્ર 2 જ સુગંધ સાથે પ્રયોગ કરવો હિતાવહ છે. સૌથી મોટી ભૂલ પરફ્યુમ લગાવ્યા પછી કાંડાને એકબીજા સાથે ઘસવાની છે. કાંડાને ઘસવાથી ત્વચા પર ગરમી ઉત્પન્ન થાય છે, જે પરફ્યુમની શરૂઆતમાં આવતી હળવી અને તાજગીભરી સુગંધને ઝડપથી ઓછી કરી નાખે છે. પરિણામે પરફ્યુમની મૂળ મહેકમાં ફેરફાર આવી જાય છે અને તે લાંબો સમય ટકી શકતું નથી, તેથી તેને સ્પ્રે કરીને કુદરતી રીતે જ સુકાવા દેવું યોગ્ય છે.
સુગંધ અને માનવીય મનોવિજ્ઞાન
કોઈ પણ પ્રકારની સુગંધ માનવીય મનોવિજ્ઞાન અને આપણા મગજ સાથે ખૂબ સીધો સંબંધ ધરાવે છે. સારી અને મનપસંદ સુગંધ હંમેશા વ્યક્તિના મૂડને તાજગીથી ભરી દે છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ ઉપરાંત, કોઈ ચોક્કસ સુગંધ જૂની યાદોને તાજી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેથી જ યોગ્ય પરફ્યુમની પસંદગી કરવી એ માત્ર શોખ નહિ, પણ થેરાપી સમાન છે.