હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો પણ ઈરાને લાદ્યા આકરા નવા નિયમો
- 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાત, નિયમ તોડનાર જહાજ માલિકોની ખેર નહીં
- મંજૂરી વિના કોઈ જહાજ પસાર નહીં થઈ શકે, PGSAના કડક આદેશ
- 60 દિવસ સુધી ફ્રી એન્ટ્રી, પણ કેપ્ટને સતત સંપર્કમાં રહેવું પડશે
સિટી ન્યુઝ @ તેહરાન
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર બાદ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવો હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ ફરીથી ધમધમતો થયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો મુકવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા તમામ જહાજો માટે કડક નિયમો લાગુ કરી દીધા છે. ઈરાનની નવી બનેલી સંસ્થા પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો અગાઉથી જમા કરાવવી પડશે.
નવા નિયમો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવા માંગતા જહાજોએ ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઈન ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ દાખલ કરવી ફરજિયાત છે. જેમાં જહાજનો રૂટ, ટ્રાવેલ પ્લાન અને કોમ્યુનિકેશન વિગતો આપવાની રહેશે. દરિયામાં રહેલા સંવેદનશીલ અને સંભવિત માઈન્સવાળા વિસ્તારોના કારણે અકસ્માત ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે. જો કોઈ જહાજ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકની રહેશે.
આ કડક નિયમો વચ્ચે ઈરાને વૈશ્વિક વેપારને વેગ આપવા 60 દિવસ સુધી કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ ન વસૂલવાની મોટી રાહત પણ આપી છે. કરાર બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં 25 કોમર્શિયલ જહાજો આ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. યુદ્ધના કારણે આ માર્ગ પરથી રોજના સરેરાશ માત્ર 7 જહાજો જ પસાર થઈ શકતા હતા, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કારોબાર ફરી એકવાર ઝડપથી પાટા પર આવી રહ્યો છે.
60 દિવસની વિશેષ ટ્રાન્ઝિટ રાહત ઈરાન સરકારે દરિયાઈ વેપારને ફરીથી ધબકતો કરવા માટે શરૂઆતના 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સેફ્ટી સર્વિસને લગતો તમામ ખર્ચ ખુદ ઈરાન સરકાર ભોગવશે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપારીઓને મોટી આર્થિક રાહત મળશે અને ટ્રાફિકમાં ઝડપથી વધારો થશે.