જિબૂતી નજીક દરિયામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 300થી વધુ માઇગ્રન્ટ્સ ભરેલી બોટ ડૂબી
-
15 બાળકો સહિત 139ના મોત
-
અસ્થિર પરિસ્થિતિ વચ્ચે જોખમી માર્ગ અપનાવ્યો
-
બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલુ
સિટી ન્યુઝ @ જિબૂતી
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આફ્રિકાના જિબૂતી દેશ નજીક દરિયામાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લગભગ 300 થી વધુ માઇગ્રન્ટ્સને લઈને જઈ રહેલી એક ઓવરલોડેડ બોટ જિબૂતીના ઓબોક શહેરની ઉત્તરે આવેલા ગુહેરે વિસ્તાર નજીક અચાનક અકસ્માતનો ભોગ બનીને દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં 15 બાળકો સહિત ઓછામાં ઓછા 139 નિર્દોષ માઇગ્રન્ટ્સના કરુણ મોત નીપજ્યા છે, જેનાથી સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
IOM ના અહેવાલ મુજબ, આ બોટમાં કુલ 305 લોકો સવાર હતા અને આ ગોઝારો અકસ્માત 8 અને 9 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં આશરે 82 લોકોને હેમખેમ બચાવીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે, જ્યારે હજુ પણ 84 જેટલા લોકો લાપતા હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક સત્તાધીશો અને રાહત ટીમો દ્વારા દરિયાના ઊંડાણમાં લાપતા બચેલા લોકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.
જિબૂતીમાં IOM ના મિશન ચીફ એલેક્ઝાન્ડ્રે કોઇસેકે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી ટીમો સ્થાનિક સત્તાધીશો સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર ઈમરજન્સી મદદ પૂરી પાડી રહી છે. આ કરુણ અકસ્માત સ્પષ્ટપણે દર્શાવે છે કે આર્થિક તકો, ગરીબીમાંથી મુક્તિ અને સારા ભવિષ્યની ખોટી કે સાચી શોધમાં આ જોખમી દરિયાઈ રૂટ પરથી પસાર થતાં માઇગ્રન્ટ્સને કેટલું મોટું માનવીય જોખમ ઉઠાવવું પડે છે. સ્થાનિક તંત્ર દ્વારા જીવિત બચેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમજ મૃતકોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ માઇગ્રન્ટ્સ જિબૂતીથી બોટ મારફતે ગેરકાયદેસર રીતે યમન તરફ પ્રવાસ ખેડી રહ્યા હતા, જેથી તેઓ ત્યાંથી સમૃદ્ધ ગલ્ફ (ખાડી) દેશો સુધી પહોંચીને રોજગારી મેળવી શકે. એકતરફ ખુદ યમનના નાગરિકો ગૃહયુદ્ધ અને અશાંતિના કારણે પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે, કારણ કે વર્ષ 2022 ના યુએન-મધ્યસ્થતા વાળા યુદ્ધવિરામ બાદ પણ ત્યાં સાઉદી અરેબિયા સમર્થિત સરકારી દળો અને ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વચ્ચેની લડાઈ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, છતાં અન્ય દેશોના યુવાનો રોજીરોટીની આશામાં પોતાના જીવને પાણિમાં હોમી રહ્યા છે.
માનવ તસ્કરી કરનારા એજન્ટોની લાલચ અને ગેરમાર્ગે દોરતી પદ્ધતિઓના કારણે ગરીબ દેશોના લોકો આ પ્રકારે મોતના કુવામાં છલાંગ લગાવવા મજબૂર બનતા હોય છે, જેને રોકવા માટે વૈશ્વિક સ્તરે કડક પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.
ગેરકાયદેસર સ્થળાંતર અને માનવીય સંકટ
રોજગારી અને સારા જીવનની તલાશમાં જોખમી દરિયાઈ માર્ગો અપનાવવાથી અસંખ્ય નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવવા પડે છે.