નેપાળના ગોરખા જિલ્લામાં કુદરતનો ભારે કોપ બૂઢી ગંડક નદીમાં અચાનક પૂર આવ્યું
-
50થી વધુ મકાનો અને પુલો તણાયા
-
સેંકડો લોકો લાપતા અને અફરા તફરી મચી
-
4 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ
સિટી ન્યુઝ @ કાઠમંડુ
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે ફરી એક વખત કુદરત ભારે કોપાયમાન બની છે, જેના કારણે નેપાળની બૂઢી ગંડક અને ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી દીધી છે. આ ભયાનક પૂર અને ભૂસ્ખલનની ચપેટમાં આવતા 35 થી વધુ મકાનો અને 10 જેટલા મહત્વપૂર્ણ પૂલ પાણીમાં તણાઈ ગયા હતા, જેના કારણે અનેક ગામડાઓ જળબંબાકાર બની ગયા છે અને સેંકડો લોકો લાપતા હોવાના દુખદ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
નેપાળમાં રવિવારે સવારે લગભગ 4:00 વાગ્યે ગોરખા જિલ્લાના ઉત્તરીય હિસ્સામાં અચાનક પૂર ફાટી નીકળ્યું હતું, જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં પાણીના તીવ્ર પ્રવાહો ફરી વળવાથી ચુમલિંગ અને લોકપા જેવી વસતીઓના લોકો તથા ત્યાં રોકાયેલા પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.
પૂરના આ અત્યંત તીવ્ર પ્રવાહમાં 10 જેટલા પુલો તણાઈ ગયા છે, જેમાં બે મોટા મોટરેબલ પુલ તથા ચાર સસ્પેન્શન (ઝૂલા) પુલોનો પણ સમાવેશ થાય છે. અરુઘાટ, ત્રિપુરસુંદરી અને સોતી-માનબુના પુલોની સાથે ધારચે ગ્રામીણ પાલિકાનો એક મહત્વપૂર્ણ બેલી બ્રિજ પણ તણાઈ ગયો છે, જ્યારે પદયાત્રીઓ માટેના નાના અનેક પુલો પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.
બૂઢી ગંડક નદીમાં પૂર આવતા સાલેરી, પૈયુકા અને જગતના નદી કિનારાના વિસ્તારોમાં બનેલા અનેક ડઝન મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોરખાના મુખ્ય જિલ્લા અધિકારી ધર્મેન્દ્ર કુમાર મિશ્રાએ જણાવ્યું છે કે પ્રારંભિક રિપોર્ટ મુજબ સિઉરિબાસથી ઉપરના ભાગમાં ભૂસ્ખલન થયું હતું, જ્યારે સ્થાનિક લોકોને આશંકા છે કે ચુમનુવી-6 માં લોકપા અને ચુમલિંગ વચ્ચે બૂઢી ગંડકની સહાયક નદી સ્યરનો માર્ગ અવરોધાતા અચાનક આ પૂર આવ્યું છે.
ગૃહમંત્રી સુદન ગુરુંગે જણાવ્યું છે કે નદીનું જળસ્તર સતત ભયજનક સપાટીએ વધતું હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય ઝડપી બનાવવા, રાહત સામગ્રી પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે એમઆઈ-17 (MI-17) સહિત ચાર હેલિકોપ્ટરો તૈનાત કરી દેવાયા છે, અને અત્યાર સુધીમાં સેના દ્વારા 49 જેટલા લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
કુદરતી આપત્તિ અને રાહત કામગીરી
પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ સમયે ત્વરિત બચાવ કામગીરી અને જનજીવનની સુરક્ષા સૌથી મોટો પડકાર બની રહે છે.