Loading Please Wait !!!
નાવી પિલ્લઇને વર્ષ 2026 નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પની સાથે નોબેલ પ્રાઇઝ શેર કરવાની મજાક

  • એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા વીડિયો સોશિયલ મીડિયા પર

  • જર્મનીના નૂર્નબર્ગ શહેરમાં કાનૂની સેમિનારમાં જાહેરાત

  • ટ્રમ્પના ઘાવમાં મીઠું ભભરાવ્યા જેવું નિવેદન

સિટી ન્યુઝ @ નૂર્નબર્ગ

છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ નોબેલ પ્રાઇઝ મેળવવા માટે સતત પ્રયાસો કરતા રહ્યા છે, પરંતુ દર વખતે તેઓ આ સન્માનથી વંચિત રહી જાય છે. આ વખતે આફ્રિકાના પ્રખ્યાત ન્યાયવિદ નવનેથમ 'નાવી' પિલ્લઇને વર્ષ 2026 નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા બાદ ટ્રમ્પ વધુ એક વખત ખાલી હાથે રહી ગયા છે. આ પ્રતિષ્ઠિત સન્માનની જાહેરાત બાદ જ્યારે નાવી પિલ્લઇ મીડિયા અને લોકોની સામે આવ્યા, ત્યારે તેમણે હસતા-હસતા ટ્રમ્પની સાથે આ નોબેલ પ્રાઇઝ શેર કરવાની મજાક કરીને સૌને ચોંકાવી દીધા હતા.

જર્મનીના ઐતિહાસિક નૂર્નબર્ગ શહેરમાં આયોજિત એક કાનૂની સેમિનાર દરમિયાન જ્યારે નાવી પિલ્લઇને ખબર મળી કે તેમને વર્ષ 2026 ના `નોબેલ શાંતિ પુરસ્કાર' માટે સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે તેમની આસપાસ મોજુદ વકીલો અને માનવ અધિકાર કાર્યકર્તાઓએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ મોટા સમાચારને વધાવી લીધા હતા. આ અદ્ભુત પળે ઓરડામાં એક વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ પેદા કરી દીધો હતો.

નાવી પિલ્લઇએ માઇક પકડીને પોતાના ચહેરા પર હળવું સ્મિત લાવતા એક જોરદાર કટાક્ષ કર્યો હતો, જેના કારણે પૂરા હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે હસતા-હસતા કટાક્ષમાં કહ્યું હતું કે જો તમે થોડી વધુ જોરથી તાલી પાડો તો કદાચ હું આ નોબેલ પ્રાઇઝનો કેટલોક ભાગ ટ્રમ્પ સાહેબ સાથે પણ શેર કરી લઉં! તેમની આ મજાકિયા કોમેન્ટથી ઉપસ્થિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને ટ્રમ્પના આશાભર્યા અરમાનો પર ફરી એકવાર કટાક્ષ થયો હતો.

એમનેસ્ટી ઇન્ટરનેશનલના મહાસચિવ અગ્નેસ કોલાર્ડે આ યાદગાર પળનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર શેર કર્યો હતો, જે જોતજોતમાં જ પૂરી દુનિયામાં વાયરલ થઇ ગયો છે. વૈશ્વિક સ્તરે આ વીડિયો પર લોકો તરફથી અનેક પ્રકારની રમુજી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે નાવી પિલ્લઇ અગાઉ રવાન્ડા ઇન્ટરનેશનલ ક્રિમીનલ ટ્રિબ્યુનલના પૂર્વ પ્રેસિડેન્ટ તેમજ યુએનના પૂર્વ માનવાધિકાર પ્રમુખ તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂંક્યા છે. તેમણે પોતે સ્વીકાર્યું હતું કે જ્યારે તેમને શાંતિના નોબેલ પ્રાઇઝ મળ્યાની ખબર મળી ત્યારે તેમને શરૂઆતમાં પોતાની જાત પર જ ભરોસો નહોતો થયો અને તેમને આ વાત કોઈ મજાક જેવી લાગતી હતી.

આંતરરાષ્ટ્રીય સન્માન અને કટાક્ષ

વિશ્વના સર્વોચ્ચ પુરસ્કારો મેળવનાર મહાનુભાવોની હળવાશ અને વિનોદવૃત્તિ ગંભીર પળોમાં પણ ખુશીનો માહોલ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.