મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી
-
પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ સભા
-
ડેપ્યુટી ડીડીઓ માટે આઉટસોર્સથી નવું વાહન રખાશે
-
પદાધિકારીઓ પાસે વિકાસનું વિઝન ન હોવાની ચર્ચા
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને સભા ખંડમાં યોજાઈ હતી. જોકે, આ મહત્વપૂર્ણ બેઠક ગણતરીની મિનિટોમાં જ પૂરી થઈ ગઈ હતી, જેના કારણે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો પાસે જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરવા માટે સમય નથી કે વિઝન નથી, તેવો જોરશોરથી ગણગણાટ શરૂ થઈ ગયો છે.
આ બેઠક દરમિયાન કેટલાક મુખ્ય એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 16મા નાણાપંચના 3.69 કરોડના આયોજન માટે સભ્યો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત ડેપ્યુટી ડીડીઓનું વાહન બિનઉપયોગી બનતા આઉટસોર્સથી નવું વાહન રાખવાના એજન્ડાને પણ મંજૂરી અપાઈ હતી.
સાથે જ સીએસ ફાઉન્ડેશન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા 10 વિદ્યાર્થીઓને 15 હજારની સહાય આપવાના પ્રસ્તાવને મંજૂર કરાયો હતો. આ બેઠકમાં માળિયા તાલુકાના નવાગામ ખાતે મંજૂર થયેલું સબ સ્ટેશન રાસંગપરમાં બનાવવા માટેનો વિશેષ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતની આ બેઠક આટલી ઝડપથી આટોપી લેવાતા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને લોકોની સુખાકારી વધારવાના પ્રશ્નો પર ચર્ચા ન થવાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. પદાધિકારીઓની આ ઉદાસીનતા સામે સ્થાનિક સ્તરે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વિકાસ કાર્યો અને જવાબદારી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનહિતના કાર્યો અને વિકાસની યોજનાઓ પર ખુલ્લી ચર્ચા થવી અત્યંત આવશ્યક છે. આ પ્રકારે બેઠકો ટૂંકાવી દેવાથી પ્રજાના પ્રશ્નો પડતર રહે છે અને પ્રશાસનની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થાય છે.