Loading Please Wait !!!
સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76 લાખની છેતરપિંડી

 

  • પલસાણા વિસ્તારની જમીનના દસ્તાવેજ માટે જોઈતા હતા સ્ટેમ્પ

  • RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા 76.44 લાખ રૂપિયા

  • અંગત વપરાશમાં નાણાં વાપરી નાખી ચેક પરત ફર્યો

સિટી ન્યુઝ @ સુરત

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પરિવાર સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને 76.44 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સરકાર માન્ય અધિકૃત સ્ટેમ્પ વેન્ડર દંપતીએ આ રકમ મેળવી લઈ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી, જેને લઈને સુરત ડીસીબી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

કતારગામ સ્થિત શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) કંપનીના મેનેજર કનુ માલવિયા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે 76,44,900ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. કંપની વર્ષ 2020થી રાંદેરના શિલ્પી સોસાયટીમાં રહેતા વેન્ડર રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા પાસેથી સ્ટેમ્પ ખરીદતી હોવાથી તેમના પર પૂર્ણ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2025માં આરોપી દંપતીએ આપેલા બેંક ખાતામાં RTGS મારફતે પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દેવા છતાં સમયસર સ્ટેમ્પ પેપર આપવામાં આવ્યા નહોતા. ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓએ આ નાણાંમાંથી બીજા લોકોને સ્ટેમ્પ ઈસ્યુ કરી દીધા હતા અને રકમ પોતાના મોજશોખમાં વાપરી નાખી હતી. ત્યારબાદ આપવામાં આવેલો 76.44 લાખનો ચેક પણ અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થઈ ગયો હતો.

આ સમગ્ર પ્રકરણ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂ થતાં તેમની મંજૂરી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે અધિકૃત સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વિશ્વાસઘાત અને કાયદાકીય કાર્યવાહી

વેપાર અને દસ્તાવેજી વ્યવહારોમાં જૂના સંબંધો અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને આચરવામાં આવતી આવી ઠગાઈઓ આર્થિક અપરાધોને ઉજાગર કરે છે. પોલીસ કમિશનરના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસથી ગુનેગારો સામે કડક કાનૂની પગલાં લેવાશે તેવી આશા બંધાઈ છે.