થાઈલેન્ડમાં 11 વર્ષના બાળકે પીકઅપ ટ્રક ભિક્ષુકો પર ફેરવી
- 8 લોકોના કમકમાટીભર્યા મોત, 14 લોકો ગંભીર રીતે ઘાયલ
- 35 બૌદ્ધ સાધુઓના સમૂહને અડફેટે લેતા 8 ના મોત
- થાઈલેન્ડના મુકદહનમાં પદયાત્રા દરમિયાન સર્જાયો અત્યંત ભયાનક માર્ગ અકસ્માત
સિટી ન્યુઝ @ મુકદહન
થાઈલેન્ડના મુકદહન પ્રાંતમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં માત્ર 11 વર્ષના એક સગીર બાળકે બેકાબૂ પીકઅપ ટ્રક ચલાવીને ધાર્મિક પદયાત્રા પર નીકળેલા બૌદ્ધ ભિક્ષુકોના સમૂહને અડફેટે લીધો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે 5 ભિક્ષુઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય 3 ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઉપરાંત અન્ય 14 લોકો ઘાયલ થયા છે, જેમાં 4 ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આશરે 35 બૌદ્ધ ભિક્ષુઓનો એક સંઘ મુકદહન પ્રાંતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી ઉબોન રત્ચાથાની તરફ 260 કિલોમીટર લાંબી ધાર્મિક પદયાત્રા માટે નીકળ્યો હતો. પદયાત્રા શરૂ થયાની માંડ 30 મિનિટ જ થઈ હતી ત્યાં અચાનક એક પીકઅપ ટ્રક અનિયંત્રિત થઈને રોડથી નીચે ઉતરી ગયો હતો. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, ટ્રક પહેલેથી જ રોડ પર લહેરાતો આવી રહ્યો હતો અને રોડની કિનારે શાંતિપૂર્વક ચાલી રહેલા ભિક્ષુઓના સમૂહ સાથે સીધો જ અથડાયો હતો, જેનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત સર્જનાર 11 વર્ષના સગીર ડ્રાઈવરને સ્થાનિક પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લીધો છે. બાળ સંરક્ષણ અધિકારીઓની હાજરીમાં તેની કાયદેસરની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આટલી નાની ઉંમરના બાળકને વાહન ચલાવવા કોણે આપ્યું હતું અને અકસ્માત સમયે પીકઅપ ટ્રકની ચાવી તેની પાસે કેવી રીતે આવી. આ હચમચાવી મુકનાર ઘટના બાદ વાલીઓની બેદરકારી અને સગીર ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠી છે.
સગીર ડ્રાઈવિંગ: વાલીઓની ગંભીર બેદરકારી
નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું એ માત્ર કાયદાકીય ગુનો જ નહીં, પરંતુ સમાજ માટે એક મોટું જોખમ પણ છે. બાળકના હાથમાં સ્ટીયરીંગ સોંપતા વાલીઓ અજાણતાં જ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. આધુનિક સમયમાં વાહનોની સરળ ઉપલબ્ધતા અને વાલીઓનું નબળું નિયંત્રણ આવી જીવલેણ દુર્ઘટનાઓ નોતરે છે. સગીર ડ્રાઈવિંગ અટકાવવા માટે કડક કાયદાની સાથે સાથે વાલીઓએ પણ જાગૃત અને જવાબદાર બનવું અત્યંત આવશ્યક છે.