રૂ.15.99 લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીઓ નિર્દોષ જાહેર
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો મહત્વપૂર્ણ ચુકાદો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે રિદ્ધિ સિદ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક હર્ષદ દામોદરભાઈ ધોરડા દ્વારા દાખલ કરાયેલા રૂ. ૯,૯૯,૬૮૫ અને રૂ. ૬,૦૦,૦૦૦ ના બે ચેક રિટર્ન કેસમાં આરોપી દિવ્યેશ રસિકલાલ કથીરિયા અને અલ્પેશ પરસોત્તમભાઈ ડોમડીયાને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી હર્ષદ ધોરડાએ આરોપ મુક્યો હતો કે ઓયો હોલિડેઝ સાથે સંકળાયેલા વિપુલ હીરપરા તથા અન્ય આરોપીઓએ ટ્રાવેલ બુકિંગના વ્યવહારમાં બાકી રહેતી રકમ ચૂકવવા માટે ચેક આપ્યા હતા, પરંતુ બંને ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષના એડવોકેટ સુરેશ ફળદુએ દલીલ કરી હતી કે ફરિયાદીનું વાસ્તવિક લેણું વિપુલ હીરપરા પાસે હતું અને દિવ્યેશ કથીરિયા તથા અલ્પેશ ડોમડીયા સાથે કોઈ સીધો વ્યવસાયિક વ્યવહાર કે નાણાકીય જવાબદારી નહોતી. ઉલટતપાસ દરમિયાન ફરિયાદીએ પણ દસ્તાવેજોના આધારે સ્વીકાર્યું હતું કે વ્યવહાર વિપુલ હીરપરા સાથે થયો હતો અને બંને આરોપીઓનો તેમાં કોઈ સીધો સંબંધ નહોતો. બચાવ પક્ષે વધુમાં રજૂઆત કરી હતી કે સંબંધિત ચેકોનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને માત્ર ચેક પર સહી હોવાના આધારે આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં. આ માટે ઉચ્ચ અદાલતોના વિવિધ મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ આધાર લેવામાં આવ્યો હતો.
રેકોર્ડ પર રહેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા, ઉલટતપાસ દરમિયાન બહાર આવેલી હકીકતો તેમજ સમગ્ર કેસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અદાલતે ફરિયાદી આરોપીઓ સામે
» લેણું વિપુલ હીરપરા પાસે હોવાનું રેકોર્ડ પર સ્પષ્ટ થયું; ચેકધારકો સામે કેસ ટકી શક્યો નહીં, બંને આરોપીઓને નિર્દોષ ઠરાવાયા
કાયદેસર જવાબદારી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું માની દિવ્યેશ કથીરિયા અને અલ્પેશ ડોમડીયાને બંને કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
ઉપરોક્ત કામના શ્રીજી પ્રસાદમવાળા આરોપીઓ દિવ્યેશ કથીરીયા તથા અલ્પેશ ડોમડીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ ડાંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.