Loading Please Wait !!!
ઈન્ડોનેશિયામાં પ્રજાનો ક્રોધ: દુકાનમાં ઘૂસેલા 2 ચોરને રંગેહાથ ઝડપ્યા

  • મારપીટ કરવાને બદલે લોકોએ આખું શરીર બ્રાઉન ટેપથી પેક કરી દીધું
  • પોલીસની રાહ જોતા જાગૃત નાગરિકોએ બંનેને ખુરશી સાથે જકડી રાખ્યા
  • આંખ અને નાક સિવાય આખું શરીર બ્રાઉન ટેપથી લપેટી દીધું

સિટી ન્યૂઝ @ જાકાર્તા

ઈન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાંથી ચોરને પકડ્યા બાદ આપવામાં આવેલી અનોખી સજાનો એક મજેદાર કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનમાં 2 યુવાનો ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. જોકે, આસપાસના જાગૃત નાગરિકોને આ વાતની ગંધ આવી જતાં તેઓએ બંને ચોરોને રંગેહાથ પકડી લીધા હતા. લોકોએ કાયદો હાથમાં લઈને ચોરોને માર મારવાના બદલે એક અલગ જ રસ્તો અપનાવ્યો હતો, જેની હાલ ભારે ચર્ચા થઈ રહી છે.

લોકોએ પોલીસને જાણ તો કરી દીધી હતી, પરંતુ પોલીસને ઘટનાસ્થળે પહોંચતા થોડી વાર લાગે તેમ હતી. આ સમયગાળા દરમિયાન બંને ચોર ત્યાંથી ભાગી ન જાય તે માટે સ્થાનિકોએ એક અજબ કીમિયો અજમાવ્યો. લોકોએ બ્રાઉન ટેપનો મોટો રોલ મંગાવીને બંને ચોરોને નખશિખ લપેટી લીધા હતા. તેઓએ માત્ર ચોરોની બે આંખો, નાક અને મોં જ ખુલ્લા રહે તે રીતે તેમને આખા શરીરે ટેપ વીંટાળીને ખુરશી સાથે સજ્જડ બાંધી દીધા હતા.

ચોરોની હાલત જાણે કે કોઈ મમી જેવી થઈ ગઈ હતી. લોકોએ એક ચોરના માથા પર તો ટેપનો અમુક હિસ્સો એન્ટેનાની જેમ બહાર કાઢી રાખ્યો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ચોરોની આ હાલત જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે ચોરોની ટેપ કાઢવાની મહેનત કરવાને બદલે તે એન્ટેના જેવી બહાર નીકળેલી ટેપથી જ પકડીને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. લોકોની આ સમયસૂચકતા અને અનોખી સજાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ગુનેગારોને પાઠ ભણાવવાની અનોખી રીત સામાન્ય રીતે જ્યારે કોઈ ગુનેગાર રંગેહાથ પકડાય છે, ત્યારે ગુસ્સે ભરાયેલું ટોળું કાયદો પોતાના હાથમાં લઈને મારપીટ પર ઉતરી આવે છે, જે ઘણીવાર ગંભીર ગુનો બની જાય છે. પરંતુ હિંસાનો સહારો લીધા વિના ગુનેગારોને કાબૂમાં રાખવાનો અને પોલીસને હવાલે કરવાનો આ કીમિયો સમાજ માટે એક નવું ઉદાહરણ પૂરું પાડે છે. જાગૃત નાગરિકો સમયસૂચકતા વાપરીને કાયદાકીય મર્યાદામાં રહીને પણ ગુનાખોરી ડામી શકે છે.