બોમ્બે હાઈકોર્ટે કહ્યું : પોલીસ સરકારની નોકર નથી જનતાની સેવક છે
-
» પોલીસ સરકારનો વિરોધ કરવા ઉપર કેસ કેમ કરે છે
-
» લોકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે
-
» સરકારની ટીકા કરવી ગૂનો ? હાઈકોર્ટના સવાલે ઉઠાવ્યો મોટો મુદ્દો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
બોમ્બે હાઈકોર્ટના જજ જસ્ટિસ માધવ જામદારે ગુરુવારે જણાવ્યું હતું કે, પોલીસે લોકોને માત્ર એટલા માટે શહેર-વિસ્તારમાંથી હાંકી કાઢી શકે નહીં કારણ કે તેઓએ સરકારના નિર્ણયોનો વિરોધ કર્યો છે અથવા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે કહ્યું- વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે. અરજદારે હમણાં 'ભાજપ સરકાર મુર્દાબાદ', 'અમિત શાહ મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા છે. નાગરિકો આવા નારા શા માટે ન લગાવી શકે? આવા નારાઓ માટે દેશનિકાલનો આદેશ શા માટે? સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ના મહાસચિવ સઈદ અહેમદના કેસમાં જસ્ટિસ જામદારે કહ્યું- બધા નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. તેઓ વિરોધ કરી શકતા નથી, તેઓ આંદોલન કરી શકતા નથી, આ બધું શું છે? હવે આટલા બધા પેપર લીક થઈ ગયા છે. જો લોકો વિરોધ કરશે, તો શું તમે કેસ કરશો?
મામલો SDPIના મહાસચિવ સઈદ અહેમદ સાથે જોડાયેલો છે. મુંબઈ પોલીસે તેમની વિરુદ્ધ એક વર્ષનો દેશનિકાલનો આદેશ જારી કર્યો હતો. આની વિરુદ્ધ સઈદે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સઈદ નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા હતા. જસ્ટિસ જામદારે પૂછ્યું કે સઈદ વિરુદ્ધ નોંધાયેલી પાંચ FIRના આધારે તેમને એક વર્ષ માટે શહેરની બહાર કરવાનો આદેશ શા માટે આપવામાં આવ્યો? આમાં મોટાભાગના કેસ કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન અને ધરણા-પ્રદર્શન સાથે જોડાયેલા હતા.
જસ્ટિસ માધવ જામદારે કહ્યું કે સરકારના નિર્ણયો વિરુદ્ધ ધરણા-પ્રદર્શન કરવું કોઈ વ્યક્તિને દેશનિકાલ આપવાનો આધાર ન હોઈ શકે. બંધારણ નાગરિકોને પોતાની વાત કહેવાનો અને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. આ જ આધારે હાઈકોર્ટે સઈદ અહેમદ વિરુદ્ધ જારી કરાયેલા એક વર્ષના દેશનિકાલના આદેશને રદ કર્યો અને પોલીસ તથા પ્રશાસનના બંને આદેશોને રદબાતલ કર્યા.