Loading Please Wait !!!
ચીનમાં ગરમીનો પ્રકોપ: રાહત માટે હાઈ-રાઈઝ ઈમારતો પર કૃત્રિમ વરસાદ

  • શાનક્સી પ્રાંતમાં 'રૂફટોપ રેન' સિસ્ટમનો પ્રયોગ વાયરલ, તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો
  • ઈવેપોરેટિવ કૂલિંગ ટેકનોલોજીથી ગણતરીની મિનિટોમાં આસપાસનું તાપમાન 5 થી 8 ડિગ્રી ઘટ્યું
  • રસ્તા પર જતા લોકો ભીના ન થાય અને ગરમીથી મળે મોટી રાહત

સિટી ન્યૂઝ @ યુનચેંગ

મધ્ય ચીનના શાનક્સી પ્રાંતમાં આવેલા યુનચેંગ શહેરમાં અસહ્ય ગરમી અને હીટવેવથી રાહત મેળવવા માટે એક અનોખો અને અસરકારક પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંની રહેણાંક સોસાયટીઓની હાઈ-રાઈઝ ઈમારતોની છત પર 'રૂફટોપ રેન' નામની એક અદભૂત કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નવીન સિસ્ટમ હેઠળ ઈમારતોની ટોચ પર હાઈ-પ્રેશર મિસ્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે હવામાં પાણીનો ખૂબ જ ઝીણો ધુમ્મસ જેવો કૃત્રિમ વરસાદ વરસાવે છે. આ અદભૂત ટેકનોલોજીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ આધુનિક સિસ્ટમ વિજ્ઞાનના 'ઈવેપોરેટિવ કૂલિંગ' એટલે કે બાષ્પીભવન દ્વારા ઠંડક આપવાના સિદ્ધાંત પર સીધું કામ કરે છે. બિલ્ડિંગની છત પરથી જ્યારે પાણીના અતિ સૂક્ષ્મ ટીપાં હવામાં છોડવામાં આવે છે, ત્યારે તે ગરમ હવામાં ભળીને તરત જ વરાળ બની જાય છે. આ પ્રક્રિયા દરમિયાન તે આસપાસની ગરમીને સંપૂર્ણપણે શોષી લે છે, જેના કારણે માત્ર થોડી જ મિનિટોમાં આસપાસની સપાટીનું તાપમાન આશરે 5 થી 8 ડિગ્રી સુધી ઘટી જાય છે.

આ ટેકનોલોજીનો સૌથી મોટો અને નોંધપાત્ર ફાયદો એ છે કે પાણીના ટીપાં અત્યંત બારીક હોવાથી તે હવામાં જ સુકાઈ જાય છે, જેથી નીચે રસ્તા પર જતા લોકો કે વાહનો બિલકુલ ભીના થતા નથી. ચીનના ઘણા ભાગોમાં સતત વધી રહેલી ભીષણ ગરમી અને હીટવેવ સામે શહેરી તાપમાનને નિયંત્રિત કરવા અને ત્યાંના સ્થાનિક લોકોને ઝડપી રાહત આપવાના મુખ્ય હેતુથી આ સ્માર્ટ સિસ્ટમ ખાસ તૈયાર કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિંગ અને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ વધતા જતા વૈશ્વિક તાપમાન અને ગીચ શહેરીકરણને કારણે મોટા શહેરો હવે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં હીટવેવની અસર અનેકગણી વધી જાય છે. ચીન દ્વારા અપનાવવામાં આવેલી આ પ્રકારની મિસ્ટ ટેકનોલોજી ભવિષ્યમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનો એક મહત્વનો ભાગ બની શકે છે, જે નાગરિકોને આકરી ગરમીથી બચાવવામાં અને શહેરી પર્યાવરણને ઠંડુ રાખવામાં મોટી મદદ કરશે.